અચાનક વધતી ગરમીના કારણે લૂ લાગવા ( હીટ વેવ)ની શક્યતા પણ વધી જતી હોય છે. જેના કારણે નાગરિકોને હીટવેવ થી બચવા માટે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત લૂ લાગવાથી ચામડી લાલ, સૂકી અને ગરમ થઇ જશે. સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ, ઉબકા અને ઉલ્ટીઓ પણ થઇ શકે છે.
વધુમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રએ કહ્યું કે, હીટ વેવ દરમ્યાન નાગરિકોને ઘરની બહાર નીકળવાનું અને તડકામાં ફરવાનું બને ત્યાં સુધી ખાસ ટાળવું. તેમજ આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા. પાણી, છાશ, લીંબુ શરબત, ઓ.આર.એસ. તાડફળી અને નારિયળનું પાણી અથવા અન્ય પ્રવાહી પુષ્કળ પ્રમાણમાં પીવું. ભીના કપડાથી માથું ઢાંકી રાખવું અને અવારનવાર ભીના કપડાં થી શરીર લૂછવું. ઠંડકવાળા સ્થળ પર સમયાંતરે આરામ કરવો અને નાના બાળકો, વૃધ્ધો અને સર્ગભા સ્ત્રીઓએ ધરની બહાર ન નીકળવું. આ સમય દરમ્યાન ઉપવાસ ન કરવો તેમજ બજારમાં મળતો ખુલ્લો અને વાસી ખારોક ન ખાવો તેમજ બજારમાં મળતા બરફનો ઉપયોગ ટાળવો જોઈએ.
ગરમીથી લૂ લાગી હોય તો આપને શરીર પર અળાઇઓ નીકળશે. માથાનો દુખાવો, ચક્કર આવવા, બેભાન થવું, ખૂબ પ્રરસવો થવો અને અશક્તિનો અનુભવ થશે. ચામડી લાલ, સૂકી અને ગરમ થઇ જશે. સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ, ઉબકા અને ઉલ્ટીઓ પણ થઇ શકે છે. અતિ ગંભીર કિસ્સામાં ખેંચ પણ આવી શકે છે. આવા લક્ષણો જણાય તો નજીકના ર્ડાકટર, પીએચસી અને સીએચસીનો સંપર્ક કરવો હિતાવહ છે. ગરમીથી બચવા માટે ઘરની છત પર સફેદ રંગ, ચૂનો અને સફેદ ટાઇલ્સ લગાવવાથી ધરનું તાપમાન ધટશે. તેવું પણ જણાવ્યું છે.