ગાંધીનગરઃ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા પોતાના લોકસભા ક્ષેત્ર ગાંધીનગર તાલુકાનાં રૂપાલ ગામની સાંસદ આદર્શ ગ્રામ યોજના માટે પસંદગી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કે જ પેથાપુર-નારદીપુર-રૂપાલના રોડની પહોળાઈ 7 મીટરથી વધારીને 10 મીટર કરવાની મંજૂરી ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા મળી ચુકી છે. જેનો ખર્ચ 10.96 કરોડ થશે.
ગુજરાતના પાટનગર ગાંધીનગર થી 12 કિમીના અંતરે સ્થિત રૂપાલ ગામ ખાતે મહાભારત કાળનું પાંડવોના અજ્ઞાતવાસના સમયનું વિશ્વવિખ્યાત વરદાયીની માતાનું પવિત્ર મંદિર સ્થિત છે. જે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક ગણાય છે. રૂપાલ ગામ 6,587 જેટલી વસ્તી ધરાવે છે. રૂપાલ ગામ સમગ્ર વિશ્વમાં ત્યાં યોજાતી પલ્લી યાત્રા માટે આગવી ખ્યાતિ ધરાવે છે.
પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા આ મંદિરનું નિર્માણ કરી માતાજીની પ્રતિષ્ઠા કરી હોવાનો ઉલ્લેખ ઇતિહાસમાં જોવા મળે છે. દર વર્ષે આસો સુદ નોમના દિવસે યોજાતી પલ્લી યાત્રા માટે રૂપાલ ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાંથી આસ્થાના પ્રવાહનું કેન્દ્રબિંદુ બને છે અને આસો માસની નવરાત્રિ દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિક ભક્તોનો મહેરામણ અહીં ઉમટે છે. આ પલ્લીનું નિર્માણ ગામના સર્વે સંપ્રદાય અને તમામ વર્ગના લોકો દ્વારા સામૂહિક રીતે કરવામાં આવે છે. આ પલ્લી સમગ્ર રાત્રિ દરમિયાન ગામના તમામ વિસ્તારોમાંથી પસાર થાય છે, અને ભાવિકો દ્વારા સતત 4 લાખ કિલોગ્રામ જેટલા ઘીનો અભિષેક આ પલ્લી પર કરવામાં આવે છે. આ પલ્લી સાંપ્રદાયિક સદભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.
સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત પ્રત્યેક સાંસદ દ્વારા પોતાના લોકસભા ક્ષેત્રમાંથી પસંદ કરેલા ગામડાના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જેમાં જુદી જુદી સરકારી યોજનાઓનો આ ગામડાઓમાં અમલ કરીને તથા સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આદર્શ ગામ તરીકે વિકસાવવામાં આવે છે. જેમાં માળખાગત સુવિધાઓ સહિત વિવિધ પ્રકારની સવલતોનો સમાવેશ થાય છે. આ રોડ પહોળો થવાથી નાગરિકોને આવવા-જવામાં સરળતા રહેશે તો આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે.