ગાંધીનગર : દેશના શિક્ષકોના માથે મહત્વની જવાબદારી હોય છે. શિક્ષક જ સારા દેશનું નિર્માણ કરી શકે તેવી વર્ષોથી ભારત દેશમાં પરંપરા રહી છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડોકટર એ.પી.જે. અબ્દુલ કલામ હોય તેઓએ દેશના પ્રતિષ્ઠિત પદ પર પહોંચીને પોતાના શિક્ષકોને યાદ કર્યા છે. ત્યારે આઝાદી કાળથી દેશના અલગ અલગ રાજ્યમાં શિક્ષક સંઘનું અધિવેશન મળ્યું છો. પરંતુ પ્રથમ વખત ગુજરાતના પાટનગર ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે 12 અને 13 મે ના રોજ રાષ્ટ્રીય શિક્ષક અધિવેશન મળશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે.
રાષ્ટ્રીય શિક્ષક અધિવેશનમાં શું કરવામાં આવશે : ગુજરાતના પાટનગર ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે 12 અને 13 મે ના રોજ યોજવા જઈ જનાર રાષ્ટ્રીય શિક્ષક અધિવેશન બાબતે કાર્યકારી પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય શિક્ષક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. મહત્વની વાત કરવામાં આવે તો આ અધિવેશનમાં શિક્ષકોની કામગીરી અને શિક્ષણ બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત અલગ અલગ રાજ્યમાં શિક્ષકોને પડી રહેલા તકલીફ અને શિક્ષણમાં નવી કામગીરી બાબતે પણ એક બીજા સાથે ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો Gandhinagar News : જામનગરમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી, 551 વિકાસકાર્યોની ભેટ આપશે મુખ્યપ્રધાન
24 રાજ્યના શિક્ષકો આવશે : આ અધિવેશનમાં ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાના બાળકોને કેવી રીતે વધુ અભ્યાસ કરાવી શકાય, અન્ય રાજ્ય કેવી રીતે કામગીરી કરે છે તે બાબતે જુદા જુદા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અત્યારે વેકેશનનો માહોલ છે ત્યારે તમામ શિક્ષકો વેકેશનમાં છે. જેથી મોટાભાગના રાજ્યમાંથી શિક્ષકો ગુજરાતમાં આવશે. આમ કુલ 24 જેટલા રાજ્યમાંથી પ્રાથમિક શિક્ષણ સંઘના પદાધિકારીઓ સભ્યો અને શિક્ષકો ગુજરાતમાં યોજાનાર અધિવેશનમાં હાજરી આપશે.
કયા રાજ્યના શિક્ષક સંઘ હાજર રહેશે : ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે યોજવા જનાર રાષ્ટ્રીય શિક્ષક અધિવેશનમાં કુલ 24 જેટલા રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘ હાજર રહેશે. તેમાં રાજ્યની વાત કરવામાં આવે તો આંધ્રપ્રદેશ આસામ બિહાર દિલ્હી ગોવા, હરિયાણા હિમાચલ ઝારખંડ કર્ણાટક કેરળ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર મણીપુર મેઘાલય મિઝોરમ પંજાબ રાજસ્થાન તમિલનાડુ તેલંગાના ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળના પ્રાથમિક શિક્ષક સંઘના સભ્યો અને પદાધિકારીઓ હાજર રહેશે. આમ કુલ 24 રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘના પદાધિકારીઓ અને સભ્યો ગુજરાતમાં હાજરી આપશે.
આ પણ વાંચો SWAGAT: સ્વાગત સેવાના 20 વર્ષ પૂર્ણ થતા PM મોદી વિડીયો કોનફરન્સથી લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે
ભૂતકાળમાં ક્યાં અને ક્યારે અધિવેશન યોજાયું : શિક્ષક અધિવેશનની શરુઆત 1954માં નાગપુર મહારાષ્ટ્રથી થઇ હતી. જે બાદ ક્રમશ: 1955માં જગન્નાથપુરી-ઓડિશા, 1956માં કાનપુર-ઉત્તરપ્રદેશ, 1957માં કલકત્તા-પશ્ચિમ બંગાળ, 1959માં મુંબઈ મહારાષ્ટ્ર, 1962માં ગૌહાટી-આસામ, 1964માં પટના-બિહાર, 1968માં હૈદરાબાદ, 1971માં જલંધર;પંજાબ, 1975માં દિલ્હી, 1977માં મુંબઈ-મહારાષ્ટ્ર, 1979માં ચેન્નાઇ-તામિલનાડુ, 1981માં ન્યુ દિલ્હી, 1984માં પટના-બિહાર, 1986માં ન્યુ દિલ્હી, 1988માં ન્યુ દિલ્હી, 1990માં હરિદ્વાર-ઉત્તરપ્રદેશ, 1994માં ચેન્નાઈ-તામિલનાડુ, 1996માં ભુવનેશ્વર-ઓડિશા, 1998માં ત્રિચુર-કેરાલા, 2000માં આનંદપુર-પંજાબ, 2002માં બેગ્લોર-કર્ણાટક, 2005માં નાગપુર-મહારાષ્ટ્ર, 2007માં જયપુર-રાજસ્થાન,2010માં કુરુક્ષેત્ર-હરિયાણા, 2013માં ગૌહાટી-આસામ, 2015માં બેંગ્લોર-કર્ણાટક, 2018માં બૌધ ગયા -બિહારમાં શિક્ષક અધિવેશન યોજાઇ ચૂક્યાં છે.
3 વખત ઇન્દિરા ગાંધીએ અધિવેશનનું ઉદ્ઘાટન કર્યું : રાષ્ટ્રીય પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી મળતી માહિતી પ્રમાણે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ત્રણ વખત દ્વિવાર્ષિક શિક્ષક અધિવેશનના ઉદ્ઘાટનના મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતાં. જ્યારે 1954માં મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાયેલ પ્રથમ અધિવેશન ઉદ્ઘાટન સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કર્યું હતું. ત્યારબાદ 1975માં દિલ્હી ખાતે અને ત્યારબાદ 1981માં દિલ્હી અને 1984માં પટના બિહાર ખાતે યોજાયેલા દ્વિવાર્ષિક શિક્ષક અધિવેશનનું ઉદ્ઘાટન ઇન્દિરા ગાંધીએ કર્યું હતું. જ્યારે 1986માં ફરીથી દિલ્હી ખાતે રાજીવ ગાંધી વડાપ્રધાન તરીકે અધિવેશનનું ઉદ્ઘાટન કર્યું હતું.