ગાંધીનગર : ગુજરાતની ખાલી પડેલી ત્રણ રાજ્યસભા બેઠક પર કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષે રાજ્યસભાની ચૂંટણીમાં એક પણ ઉમેદવાર નહીં ઉભા રાખવાની જાહેરાત અગાઉ જ કરી દીધી છે. ત્યારે જાણકાર સૂત્રોની ચર્ચામાં ગઈકાલે વિધાનસભામાં અમદાવાદના બાપુનગરના પરેશભાઈ મુલાણીએ અપક્ષ ફોર્મ ભર્યું છે તેવી વાત સામે આવી છે. જોકે ચૂંટણીપંચે સત્તાવાર ધોરણે આવી કોઇ જાહેરાત હજુ સુધી કરી નથી. એવામાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યસભા ચૂંટણી માટે શું કરવું તે વિચારણા હેઠળ હોવાનું વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે.
અમે તોડજોડની રાજનીતિમાં માનતા નથી. જ્યારે અમારી પાસે સંખ્યા બળ પણ ઓછું છે. તેમ છતાં અમારા આગેવાનો અને નેતાઓ સાથે બેઠક કરીને અંતિમ નિર્ણય કરીશું કે શું કરવું. જ્યારે હજુ ફોર્મ ભરવાની અંતિમ દિવસ 13 જુલાઈ છે...અમિત ચાવડા(વિપક્ષ નેતા)
આ છે શક્યતા : આમ આડકતરી રીતે કોંગ્રેસ અપક્ષના ઉમેદવારને ટેકો આપેે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારને 10 ધારાસભ્યોનો ટેકો હોવો જરૂરી છે. આમ અપક્ષના ઉમેદવાર પાસે હજુ સુધી 10 ધારાસભ્યનો ટેકો નથી એટલે કદાચ કોંગ્રેસના ધારાસભ્ય અપક્ષ ઉમેદવારને ટેકો આપી શકે છે.
પહેલાં બિનહરીફ થવાની હતી ચૂંટણી : જાણકાર સૂત્રોમાંથી બહાર આવતી વાત મુજબ અમદાવાદના બાપુનગરના એક વ્યક્તિએ અપક્ષ ફોર્મ ભર્યું છે. જોકે ચૂંટણીપંચે સત્તાવાર જાહેરાત કરી નથી.અપક્ષનું ફોર્મ ભર્યા પહેલાંની વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા એક પણ ઉમેદવાર રાજ્યસભા ચૂંટણીમાં જાહેર કરવાના ન હતાં. પરંતુ બાપુનગરના વ્યક્તિ પરેશભાઈ મુલાણી અપક્ષ ફોર્મ ભર્યું છે. ત્યારે 14 જુલાઈના રોજ ચકાસણી બાદ જો 10 ધારાસભ્યનો ટેકો મળે તો હવે ચૂંટણી અને મતદાન યોજાશે અને અપક્ષના ઉમેદવારને દસ ધારાસભ્યને ટેકો નહીં મળે તો ચૂંટણીનું પરિણામ બિનહરીફ જાહેર કરવામાં આવશે.
ભાજપે હજુ 2 ઉમેદવાર નથી કર્યા જાહેર : રાજ્યસભા ચૂંટણી 2023માં ભાજપ પક્ષ તરફથી વિદેશપ્રધાન એસ.જયશંકરે ઉમેદવારી નોંધાવી દીધી છે. પણ હજુ 2 નામ પર સસ્પેન્સ યથાવત છે. ત્યારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ 13 જુલાઈ છે. ત્યારે હવે ભાજપ પક્ષ સત્તાવાર રીતે 13 જુલાઈ અંતિમ દિવસે જ સીધું મેન્ડેટ આપે તેવી શક્યતાઓ છે.