ગાંધીનગર : ગુજરાતના તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારે ગુજરાતના આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં વસ્તીની ગીચતાને ધ્યાનમાં લઈને પાણીજન્ય રોગચાળો ચોમાસાની સિઝન દરમિયાન વકરે નહીં તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે આજે આઠ મ્યુનિસિપલ કમિશનર સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને આરોગ્ય વિભાગની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
રોગચાળા નિયંત્રણ બાબતે ચર્ચા : આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ આરોગ્ય વિભાગની બેઠકની વાત કરવામાં આવે તો જે રીતે ગાંધીનગરના કલોલ તાલુકામાં પાણીજન્ય કોલેરા ફાટી નીકળ્યો હતો અને પરિસ્થિતિ ખરાબ હતી. ત્યારે 8 કોર્પોરેશન વિસ્તારમાં આવી ખરાબ પરિસ્થિતિ ન થાય તેને ધ્યાનમાં લઈને આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ મ્યુનિસિપલ કમિશનર સાથે વિવિધ આરોગ્યલક્ષી મુદ્દે વિગતવાર ચર્ચા કરી હતી.
મહાનગરપાલિકાઓમાં શહેરી આરોગ્ય સેવાઓ અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે. આ ઉપરાંત સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ રોગચાળા નિયંત્રણ 108ની સેવા અને પોષણ જેવા વિષયો ઉપર પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી...ઋષિકેશ પટેલ (આરોગ્યપ્રધાન)
સીએમ ભૂપેન્દ્ર પટેલે રિવ્યુ કર્યું : ગુજરાતના સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને હજુ પણ આગામી 36 કલાકમાં ભારે થઈ હતી. ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ સચિવાલયમાં હવામાન વિભાગના અધિકારીઓ અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક કરી હતી. તમામ સૂચનો અને સરકારી તંત્રની કામગીરી બાબતની પણ માહિતી મેળવી હતી. આમ ભારે વરસાદના કારણે જે તે જિલ્લા તાલુકાની પરિસ્થિતિ ખરાબ થાય તો તાત્કાલિક ધોરણે સરકારી તંત્ર મદદ એ પહોંચે તે માટેની પણ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરી લેવામાં આવી છે.
કયા ઉચ્ચ અધિકારીઓ હાજર : આ બેઠકમાં રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર આરોગ્ય કમિશનર શાહમીના હુસેન એનએચએમ ડાયરેક્ટ મોહન અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.