શ્રાવણ મહિના દરમિયાન જુગારીયાઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતા હોય છે. ઠેર ઠેર જગ્યાએ બોર્ડ બેસાડવામાં આવતા હોય છે, ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ પોલીસ દ્વારા દારૂની મહેફિલ માણતા દારૂડિયા ઉપર નજર રાખવામાં આવતી હતી. કેટલાક કેસમાં પોલીસ દ્વારા કેસ નહીં કરવામાં આવે તેમ કહીને મોટો તોડ કરવામાં આવતો હતો.
એક પખવાડીયા પહેલા ગાંધીનગર શહેરના સેક્ટર 28માં આવેલા ઓટો મોબાઈલ શો રૂમમાં આઠથી દસ લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી સેક્ટર 21 પોલીસ સ્ટેશનને મળી હતી. જેને લઇને સેક્ટર 21 પોલીસ સ્ટેશન અને ડી સ્ટાફના કર્મચારીઓએ રેડ કરવા માટે શો રૂમમાં પહોંચ્યા હતાં.
આ ઘટનામાં પોલીસ કેસ નહીં કરવા માટે મોટી રકમ લેવામાં આવી હોય તેવી વાત બહાર આવી હતી. જેને લઈને ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં કસૂરવાર ઠરતા સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લાલુમિયા ઉસ્માનમિયા, રવિન્દ્રકુમાર લક્ષ્મીનારાયણ, કેતનકુમાર બળવંતભાઈ, રવિકુમાર બાબુભાઈ, નરેન્દ્રસિંહ ભૂપતસિંહ અને જગદીશસિંહ ભીખુસિંહને ફરજ મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.
ગાંધીનગર શહેરમાં પોલીસ રેડ દરમિયાન લાખો રૂપિયાના તોડ કરતી હોય તો આ પ્રકરણમાં અગાઉ પણ ચિલોડા પોલીસ સ્ટેશન ચાર પોલીસ કર્મચારીઓને પોલીસ અધિક્ષક દ્વારા સજા કરવામાં આવી હતી.