- ગાંધીનગરમાં કોરોનાનો કાળો કહેર
- સ્મશાનમાં લાગી લાઈનો
- છેલ્લાં 18 દિવસમાં 166 દર્દીઓએ કોરોનાથી દમ તોડ્યો
- સેકટર 30 સ્મશાન ગૃહમાં 166 બોડીને આપ્યા અગ્નિદાહ
ગાંધીનગર : ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરની પરિસ્થિતિમાં હવે દિવસે ને દિવસે સુધારાની જગ્યાએ પરિસ્થિતિ ખરાબ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લાં 18 દિવસની જો વાત કરવામાં આવે તો ગાંધીનગર શહેર અને જિલ્લામાં કુલ 166 દર્દીઓએ કોનાથી મૃત્યુ પામ્યા છે. જ્યારે ગાંધીનગરના કોવિડ સ્મશાનોમાં પણ એક પછી એક કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃતદેહ આવી રહ્યા છે.
સ્થાનિક તંત્ર છુપાવી રહ્યા છે મરણના આંકડા
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાથી છેલ્લા 18 દિવસમાં 166 જેટલા દર્દીઓ મોતને ભેટ્યા છે. ત્યારે સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની અખબારી યાદીમાં ગાંધીનગરમાં મૃત્યુ 12 અથવા તો એક પણ મૃત્યુ દર્શાવવામાં આવતા નથી. જ્યારે સ્મશાનમાં જે રીતની વિગતો સામે આવી રહી છે તેને ધ્યાનમાં લઈએ તો છેલ્લા 18 દિવસમાં 166 જેટલા દર્દીઓને સેકટર 30 ખાતે આવેલા સ્મશાનગૃહમાં અગ્નિદાહ આપવામાં આવ્યા છે. ત્યારે અનેક પ્રશ્ન સ્થાનિક તંત્ર ઉપર પણ ઊભા થાય છે, શું સ્થાનિક તંત્ર આંકડા છુપાવી રહ્યા છે ?
સ્મશાન ગૃહમાં સતત આવી રહ્યા છે એક પછી એક મૃતદેહ
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓને સ્મશાન ગૃહ ખાતે લઈ જવામાં આવે છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે જો વાત કરવામાં આવે તો સેકટર 30ના સ્મશાન ગૃહમાં એક કોરોના ગ્રસ્ત મૃતદેહ બાદ બીજા મૃતદેહો સતત આવી રહ્યા છે. છેલ્લા 16 થી 18 દિવસની અંદર કુલ 166 જેટલા દર્દીઓને અગ્નિદાહ આપ્યા હોવાની વિગતો પણ સામે આવી છે.
16 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી | કુલ મૃતદેહોને અગ્નિદાહ આપ્યાની વિગતો |
---|---|
16 નવેમ્બર | 10 |
17 નવેમ્બર | 16 |
18 નવેમ્બર | 08 |
19 નવેમ્બર | 10 |
20 નવેમ્બર | 09 |
21 નવેમ્બર | 13 |
22 નવેમ્બર | 17 |
23 નવેમ્બર | 06 |
24 નવેમ્બર | 13 |
25 નવેમ્બર | 11 |
26 નવેમ્બર | 11 |
27 નવેમ્બર | 09 |
28 નવેમ્બર | 06 |
29 નવેમ્બર | 05 |
30 નવેમ્બર | 06 |
01 ડિસેમ્બર | 05 |
02 ડિસેમ્બર | 08 |
03 ડિસેમ્બર | 03 |
સરકારી ચોપડે સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં 18 દિવસમાં માત્ર 6 ના મોત
સરકારી ચોપડે વિગતે જો વાત કરવામાં આવે તો સરકારી ચોપડે સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં 8 દિવસમાં માત્ર રાજકોટના દર્દીના મોત નિપજ્યા હોવાની વાત સામે આવી છે. જ્યારે સ્મશાનમાં છેલ્લા 18 દિવસમાં 166 જેટલા કોરોના ગ્રસ્ત મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવ્યો છે. ત્યારે આ આંકડામાં પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અન્ય જિલ્લાના દર્દીઓ
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અન્ય જિલ્લાના દર્દીઓ પણ સારવાર લઇ રહ્યા છે જેમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાના જે ગંભીર દર્દીઓ હોય તેમની પણ સારવાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં થઈ રહી છે. આમ ગાંધીનગર સિવાય અન્ય જિલ્લાના દર્દીઓને પણ સારવાર આપવામાં આવી રહી છે.
કોમોર્બિટ મૃત્યુને સરકાર કોરોનામાં નથી ગણતી પણ અગ્નિદાહ કોરોનાની ગાઈડલાઇન્સ પ્રમાણે
લોકડાઉન દરમિયાન રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ જણાવ્યું હતું કે, કોરોના ગ્રસ્ત દર્દીને જો કોઈ અન્ય બીમારી હોય અને તેઓ મોતને ભેટે તો આ મૃત્યુ કોરોનાથી થયું હોય તેવું નહીં પરંતુ કોમોર્બિટ મૃત્યુ ગણવામાં આવે છે. જે કોરોનાથી થયેલ મોતમાં ગણતરી કરવામાં આવતી નથી.