ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પે કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જો કે આ નિર્ણયમાં કોલેજ અને યુનિવર્સિટીના ફિક્સ પ્રોફેસર્સનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ મુદ્દે આજે રાજ્ય સરકારના પ્રધાન ઋષિકેશ પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. પ્રોફેસર્સે ગાંધીનગરમાં રજૂઆતો પણ કરી હતી. જેમાં મહિલા પ્રોફેસર્સ અને તેમના બાળકો પણ જોડાયા હતા. આ સમગ્ર મુદ્દે પ્રોફેસરની માંગણી સ્વીકારાશે તેવી આશા પ્રોફેસર્સ વ્યક્ત કરી રહ્યા છે.
પ્રોફેસર્સની રજૂઆત: ગુજરાત રાજ્યમાં 5000થી વધુ પ્રોફેસર્સ ફરજ નીભાવે છે. જેમાંથી 900થી 1000 પ્રોફેસર્સને પગારમાં 30 ટકાની વૃદ્ધિનો લાભ મળ્યો નથી. આ મુદ્દે રજૂઆત માટે અંદાજે 50થી વધુ પ્રોફેસર્સ ગાંધીનગરમાં ઋષિકેશ પટેલને રજૂઆત કરવા માટે આવ્યા હતા. પ્રોફેસરની રજૂઆત સાંભળીને ઋષિકેશ પટેલે હૈયાધારણ આપી છે તેમજ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરશે તેમ જણાવ્યું છે. ફિક્સ પગારમાં 30 ટકાની વૃદ્ધિનો નિર્ણય ગત બુધવારે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં લેવામાં આવ્યો હતો. આ નિર્ણયના લાભથી વંચિત રહેલા અંદાજિત 1000 જેટલા પ્રોફેસર્સમાંથી 50થી વધુ પ્રોફેસર્સે ગાંધીનગરમાં લેખિતમાં રજૂઆત કરી છે.
ગુજરાતમાં પાંચ હજાર જેટલા પ્રોફેસર્સ છે જેમાંથી 900થી 1000 જેટલા પ્રોફેસર્સ પાંચ વર્ષના ફિક્સ પગારથી કામ કરી રહ્યા છે. ગત બુધવારે રાજ્ય સરકારે ફિક્સ પગારમાં 30 ટકા વધારો કરવામાં આવ્યો છે. જેમાં કોલેજ અને યુનિવર્સિટીના ફિક્સ પગારથી કામ કરતા પ્રોફેસર્સનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ મુદ્દે અમે રાજ્યના પ્રધાન ઋષિકેશ પટેલને રજૂઆત કરી હતી...રાજેન્દ્ર જાદવ(પ્રમુખ, પ્રાધ્યાપક મંડળ)