આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ-સઇજ હાઇવે પર આવેલ રંગજયોત સોસાયટીમાં રહેતા દિલીપભાઇ રામસિંગભાઇ ઠાકોર કલોલ સ્ટેશન રોડ ઉપર આવેલ ધોતી બજારની પાછળ મહાકાળી પુજાપા તેમજ મહાકાળી કટલરી નામની દુકાન ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. જેઓ 18 ડિસેમ્બરને બુધવારના રોજ નિત્યક્રમ મુજબ તેઓ 7:30 વાગ્યે પોતાની દુકાન ખોલી હતી. અને 10:15 કલાકે તેમના દુકાનમાં શોર્ટ સર્કિટનો ભડાકો થયો હતો. જેના પગલે દુકાનમાં આગ લાગતા તેઓ દુકાનમાંથી બહાર નીકળી આવ્યા હતા.
આગ બુઝાવવાનો કંઇક પ્રયત્ન કરે તે પહેલા જ આગે વિકરાળ રૂપ ધારણ કરી 2 પુજાપાની તેમજ કટલરીની દુકાનને પોતાના ઝપટમાં લઇ લીધી હતી. બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા કલોલ નગરપાલીકાના બે બ્રાઉઝર, 2 મિની ફાયર ફાઇટર તેમજ એક ઓએનજીસીના ફાયર બ્રાઉઝર ઘટના સ્થળે આવી 34 હજાર લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
શહેરના અતિવ્યસ્ત ગણાતા સ્ટેશન રોડ પર બનેલ ઘટનાના પગલે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેના કારણે ટ્રાફીક થવા પામ્યો હતો. દોડી આવેલ પોલીસે લોકોને બનાવનાં સ્થળેથી દુર કરી ટ્રાફીક ખુલ્લો કરાયો હતો. શોર્ટ સર્કીટથી લાગેલી આ આગ વધુના પ્રસરે તે માટે યુજીવીસીએલના કર્મચારીઓએ સ્ટેશન રોડનો વિજ સપ્લાય બંધ કરી બનાવ સ્થળના આજુ બાજુના વાયરો કાપવાની કામગીરી કરી હતી.
સ્ટેશન રોડ ઉપર દુકાનમાં આગ લાગી હોવાના સમાચારના પગલે હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. જેના કારણે વાહન વ્યવહાર ઠ્ઠપ થયો હતો. દોડી આવેલ પોલીસે ભીડને દુર કરી ટ્રાફીક ખુલ્લો કરાયો હતો.