દહેગામઃ મળતી માહિતી મુજબ બાયડ તાલુકાના જેતપુર ગામમાં રહેતા સંદીપકુમાર પ્રજાપતિ દ્વારા તેમની પત્નીને પ્રસૂતિ માટે દહેગામમાં આવેલી ક્રિષ્ના હોસ્પિટલમાં 19 મેના રોજ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસ 20ના રોજ બીપીની તકલીફ થતાં અન્ય એક તબીબને બોલાવવામાં આવ્યાં હતાં. પરંતુ તબિયતમાં કોઈ સુધારો જોવા નહીં મળતાં ક્રિષ્ના હોસ્પિટલના તબીબ અને અન્ય તબીબ દ્વારા શ્રીજી હોસ્પિટલનો રેફરન્સ આપવામાં આવ્યો હતો.
પરિણામે દર્દીને આજે ગુરુવારે સવારે 10:00 કલાકે ત્યાં લઈ જવાયાં હતાં. બપોરે બે વાગ્યાના અરસામાં મૃતકના પતિ દ્વારા તેમને મળવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. ત્યારે તબીબે કહ્યું કે, તેમની તબિયત સુધારા ઉપર છે એમ કહીને એક ફોર્મ ઉપર સહી કરાવી લીધી હતી. ત્યારબાદ થોડાક કલાક પછી ડોક્ટર દ્વારા પ્રસૂતાને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં. જેને લઇને મૃતકના પતિ દ્વારા ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેની સાથે જ દહેગામ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અરજી આપવામાં આવી છે. બીજી તરફ શ્રીજી હોસ્પિટલમાં અગાઉ ત્રણ જેટલા દર્દીના ડોકટરની બેદરકારીના કારણે મોત થયાં હોવાના આક્ષેપો થયાં છે.