- નલિયામાં કાતિલ ઠંડી
- નલિયામાં ઠંડીનો પારો 4.1 ડિગ્રી નોંધાયો
- નલિયામાં ઠંડીએ લાંબા સમયથી ધામા નાખતાં જનજીવનને માઠી અસર
નલિયા: શિયાળાએ પોતાનું જોર મક્કમ ગતિએ આગળ વધાર્યું છે. ત્યારે નલિયામાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને નલિયામાં ઠંડીએ લાંબા સમયથી ધામા નાખતાં જનજીવનને માઠી અસર પહોંચી છે. ત્યારે ઠંડીની માત્રામાં દરરોજ બે-ત્રણ ડિગ્રી વધ-ઘટ થાય છે, પરંતુ ઠાર યથાવત્ રહ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો
રાજ્યમાં શિયાળો પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યો છે. ત્યારે નલિયામાં આજે ઠંડીનો પારો 4.1 ડિગ્રી નોંધાયો હતો. ગઈકાલે રવિવારે સાંજથી નલિયામાં કાતિલ ઠંડી પડી રહી છે. જયારે ભુજનું લઘુત્તમ તાપમાન આજે 10.6 ડિગ્રી અને કંડલાનું તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ, જુનાગઢ અને ભુજનું તાપમાન 11 ડિગ્રી નોંધાયુ હતુ. સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી, અમદાવાદમાં 13 ડિગ્રી અને અમરેલીમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. પાકિસ્તાન પર છવાયેલું સાઈકલોનિક સર્કયુલેશન ઠંડા પવનોને અટકાવતુ હતુ. જે હવે પૂર્વ તરફ આગળ વધતા રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.
પવનની ગતિ વધુ હોવાને કારણે હજી પણ ઠંડી અનુભવાઈ
હવામાન ખાતાએ આગાહી કરતા કહ્યું કે, 24 કલાક સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહિ થાય. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટી ગયું હતુ. જોકે, પવનની ગતિ વધુ હોવાને કારણે હજી પણ ઠંડી અનુભવાઈ રહી છે. હાલ નલિયામાં પણ ઠંડીનો પારો ઘટી ગયો છે. સમાચાર અને દૈનિકોમાં નલિયાનું જ તાપમાન સહુ થી નીચું રહે છે તેમ બતાવવામાં આવે છે પરંતુ ખરેખર તાપમાન માપતું થર્મોમીટર નલિયામાં જ ગોઠવેલું છે આજુબાજુના વિસ્તારોમાં થર્મોમીટર ગોઠવાયેલા નથી.