રાજ્ય નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, "જૂના નિયમ પ્રમાણે રાજ્યમાં મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓ MBBS પૂર્ણ કરીને પાંચ લાખ રૂપિયાના બોન્ડ સાથે ત્રણ વર્ષ સુધી રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવવાની રહેતી હતી. પરંતુ ડૉક્ટરો ફરજ બજાવતા ન હતાં. જેથી રાજ્યમાં ડોક્ટરોની ખોટ સામે આવતી હતી. જેને ધ્યાનમાં લઈને વિધાનસભામાં પણ અનેક સવાલો અને મુદ્દાઓ ચર્ચાયા હતા. રાજ્ય સરકાર દ્વારા હવે નવા નિયમ પ્રમાણે મેડીકલના વિદ્યાર્થીઓએ પાંચ લાખ રૂપિયાના બોન્ડ અને 15 લાખ રૂપિયાની વધુ એક બોન્ડ 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કરવાના રહેશે. જો વિદ્યાર્થી આ બોન્ડ તોડશે તો સરકાર તેમની પાસેથી 20 લાખ રૂપિયાનો દંડ વસૂલશે. આ નિયમ અત્યારથી જ લાગુ કરવામાં આવ્યો છે."
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, "આ નિયમ ફક્ત સરકારી કૉલેજમાં ભણતાં અને રાજ્ય સરકારની સહાય મેળવીને MBBSનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને લાગુ પડશે. સંપૂર્ણ પોતાના ખર્ચે ડોક્ટરનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આ નિયમ લાગુ પડશે નહીં."ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા થોડા જ સમયમાં રાજ્યના અનેક વિસ્તારોમાં અને શહેરોમાં મેડિકલ કૉલેજ શરૂ કરવામાં આવી છે. તથા નવા મેડીકલ સીટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આમ, આ નિયમ પ્રમાણે આવનારા વર્ષોમાં ડૉક્ટરોની ખોટને ભરવાના પ્રયત્ન કરવામાં આવશે.