ગાંધીનગરઃ શાકમાર્કેટ તથા કરિયાણાની દુકાનો પાસે ખરીદી કરતી વખતે લોકો દ્વારા ખોટી ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે સુનિશ્ચિત કરવા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે પબ્લિક એડ્રેસ-માઈકના માધ્યમથી ભીડ ન કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા નાગરિકોને જાણ પણ કરવામાં આવી રહી છે. પોરબંદર જિલ્લામાં નવીબંદર ખાતે ગત 30 એપ્રિલના રોજ પોલીસકર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે એક આરોપી સામે ગુનો નોંધી તેની સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરીને જેલ ભેગો કરી દેવાયો છે. લોકડાઉન બાદ અત્યાર સુધી પોલીસકર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે 21 ગુના નોંધી 47 હુમલાખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં વિવિધ માધ્યમો દ્વારા જે ગુન્હાઓ દાખલ થયા છે. જેમા ડ્રોનના સર્વેલન્સથી 292 ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 10968 ગુના દાખલ કરીને 20850 લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા 126 ગુના નોંધીને 143 લોકોની અટકાયત કરતાં આજ સુધીમાં રાજ્યભરમાંથી 2364 ગુના નોંધી 3443 લોકોની અટકાયત કરાઈ છે. આ ઉપરાંત સોસાયટીના CCTV આધારે શનિવારના રોજ 33 ગુનામાં 45 લોકોની અટકાયત કરી છે, જ્યારે રવિવાર સુધીમાં 493 ગુનાઓ દાખલ કરીને 767 લોકોની અટકાયત કરવામાં આવી છે.