ગાંધીનગર: 15 જૂનના રોજ કચ્છના જખૌ બંદર ખાતે બીપરજોય નામનું વાવાઝોડું ટકરવાનું છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે આ વાવાઝોડાનો ઘેરાવો 680 km છે. જેથી ગુજરાતના કોસ્ટર વિસ્તાર ઉપરાંત પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં પણ આંધી આવશે. યુવાઓને પણ સરકારી તંત્રને સહયોગ આપવા માટે અંબાલાલ પટેલે અપીલ કરી હતી.
ભારે પવન, આંધી અને અતિશય વરસાદ: વાવાઝોડા બાબતે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ વાવાઝોડું જ્યારે લેન્ડ ફોલ થશે ત્યારે 135થી વધુ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે. જ્યારે આ વાવાઝોડાનો ઘેરાવો 680 કિલોમીટરનો છે. જેથી તમામ બંદરો ઉપર 10 નંબરના સિગ્નલ લાગી ગયા છે. તેના પરથી જાણી શકાય કે વાવાઝોડું કેટલું ભયંકર હશે. ઓખા, પોરબંદર, જામનગર, કચ્છ અને રાજકોટ મોરબી આ ભાગોમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતાઓ છે. આ ઉપરાંત ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ પવનની ગતિ જોવા મળશે અને કોસ્ટલ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ છે.
ઉત્તર ભારત અને પાકિસ્તાનમાં અસર: વધુમાં જણાવ્યું હતું કે આ વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકિનારા ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન અને પાકિસ્તાનમાં પણ જોવા મળી શકે છે. 14થી 17 જૂન સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અસર થશે. પવન 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકે થશે તો પણ કાચા મકાન પાકા મકાન અને પશુપાલન જાનમાલનો ખૂબ જ ધ્યાન રાખવું પડશે. મધ્ય ગુજરાતમાં પણ 55 થી 60 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે અને દક્ષિણ ગુજરાતમાં પણ પવન ફૂંકાશે. 15થી 17 જૂનમાં ભારે વરસાદ અને વીજળી પડવાની શક્યતા અંબાલાલ પટેલે દર્શાવી હતી.