ગાંધીનગર : કેન્દ્ર સરકાર દ્વારા અનલૉક-2 બાબતે મોડી રાત્રે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રાજ્યના નાના વેપારીઓ અને રેસ્ટોરન્ટ બાબતે મહત્વના નિર્ણયો લીધા છે. જેમાં રાજ્યમાં 1 જુલાઇથી દુકાન રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રાખવા, રેસ્ટોરન્ટ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.
આ ઉપરાંત કર્ફર્યૂ અનલોક 1 માં રાત્રે 9 કલાકે લાગુ કરેલા સમયમાં ફેરફાર કરીને હવે રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારના નવા જાહેરનામામાં રાજ્ય સરકારે દુકાન અને રેસ્ટોરન્ટ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યની તમામ દુકાનો રાત્રે 8 કલાક સુધી જ કાર્યરત રહેશે અને તમામ જે હોટલ અને રેસ્ટોરન્ટ રાતના 9 કલાક સુધી કાર્યરત રહેશે. જ્યારે 10 વાગ્યાથી સવારના પાંચ કલાક સુધી સમગ્ર રાજ્યમાં કર્ફ્યૂ રાખવામાં આવશે. આમ, અનલોકમાં જે રીતનું નોટિફિકેશન હતું તેમાં થોડા ઘણા સુધારા કરીને unlock 2 બહાર પાડવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, રાજ્યના થિયેટર એસોસિએશન અને જિમ સંચાલકોએ થિયેટર અને જિમ શરૂ કરવા માટેનું આવેદનપત્ર કલેકટર કચેરી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આપ્યુ હતું. પરંતુ કેન્દ્ર સરકારે હજુ સુધી જિમ, થિયેટર, શાળા, કોલેજ અને ખાનગી ટ્યૂશન બંધ રાખવાનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પણ જિમ, થિયેટર, મલ્ટીપ્લેક્સ, શાળા, કોલેજ, ખાનગી ટ્યૂશન 31 જુલાઈ સુધી બંધ જ રાખવામાં આવશે.