ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં ગરમીનો પારો ચડવા લાગ્યો છે, છતાં કોરોનાનો પાવર ઓછો થતો નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 20 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. જેને લઇને કુલ પોઝિટિવ કેસનો આંકડો 128 થયો છે. જેમાં અત્યાર સુધી મોટાભાગે 25થી 45 વર્ષ સુધીના લોકોનો સમાવેશ થતો હતો. પરંતુ હવે કોરોનામા 14 માસના બાળકનો પણ સમાવેશ થઈ ગયો છે.
જામનગરમાં આ બાળકનો કેસ પોઝિટિવ આવતા સમગ્ર આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રવિવારે 214 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 20 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 22ના રિપોર્ટ પેન્ડિંગ છે.
14 માસનું બાળક જામનગરમાં કોરોના વાઇરસનો ભોગ બન્યું છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ બાળકના પરિવારજનોને કોને કોને મળ્યા હતા, તેની તપાસ હાથ ધરવામાં આવી છે.