- ગુજરાત સરકારે કર્યું કોરોના વૅક્સીનનું આયોજન
- કોરોનાના રસીકરણ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના
- રાજ્યમાં તમામ કેન્દ્રોમાં રોજના 100 લોકોને આપવામાં આવશે ડોઝ
- એક દિવસમાં સમગ્ર રાજ્યમાં કુલ 16 લાખ લોકોને અપાશે ડોઝ
- એક વ્યક્તિને 28 દિવસમાં 2 વખત ડોઝ આપવામાં આવશે
- ડોઝ લેવા માટે અગાઉ રજીસ્ટ્રેશન ફરજીયાત
ગાંધીનગર: સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે, ત્યારે ભારત દેશમાં કોરોના વૅક્સીન જલ્દીથી પ્રાપ્ત થશે. જ્યારે કેન્દ્ર સરકારે ગુજરાત, પંજાબ, આસામ અને આંધ્રપ્રદેશ એમ કુલ ચાર રાજ્યમાં ડ્રાય રન શરૂ કરવાની સુચના આપી છે, જેના ભાગરૂપે 28 અને 29 ડિસેમ્બરે ગુજરાતના ગાંધીનગર અને રાજકોટ શહેરમાં કોરોના વૅક્સીનને લઈને ડ્રાય રન કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિએ જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકારે કોરોના વૅક્સીન માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સે રચી છે, જેમાં વૅક્સીનેશનમાં પ્રખ્યાત ડૉક્ટરોને સામેલ કરવામાં આવ્યા છે.
1 વ્યક્તિ ને 28 દિવસમાં આપવામાં આવશે 2 ડોઝ
કોરોના વૅક્સીનેશન બાબતે આરોગ્ય અગ્રસચિવ જયંતિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રતિ વ્યક્તિને 28 દિવસની અંદર બે કોરોના વૅક્સીનના ડોઝ આપવામાં આવશે. જ્યારે આ કોરોના વ્યક્તિના ડોઝ ફક્ત 18 વર્ષથી ઉપરની વ્યક્તિઓને જ આપવામાં આવશે. આ વૅક્સીન ડોઝ લેવા માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રાખવામાં આવ્યું છે.
સ્ટેટ લેવલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી
કોરોના વૅક્સીન માટે જયંતિ રવિ વધુમાં જણાવ્યું હતું કે, વૅક્સીનેશનને ધ્યાનમાં લઈને સ્ટેટ લેવલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ જિલ્લા અને તાલુકામાં પણ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેમાં એક્સપોર્ટ ડૉક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રથમ તબક્કામાં આરોગ્યકર્મીઓને આપવામાં આવશે વૅક્સીન
કેન્દ્ર સરકારના જણાવ્યા પ્રમાણે પ્રથમ તબક્કામાં ફક્ત આરોગ્ય કર્મચારીઓને જ વૅક્સીન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં કુલ 4.31 લાખ સરકારી અને ખાનગી આરોગ્ય કર્મચારીઓની ગણતરી કરવામાં આવી છે, ત્યાર બાદ પ્રથમ હરોળના કોરોના વૉરિયર્સ, ત્યારબાદ 50 વર્ષથી વધુની ઉંમરની વ્યક્તિઓ અને ત્યારબાદ 50 વર્ષથી નાના પણ ગંભીર રોગથી પીડાતા લોકોને વૅક્સીન આપવામાં આવશે.
રાજ્યમાં કોલ્ડ ચેનની વ્યવસ્થા, 1.25 કરોડ ડોઝની કેપેસિટી
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના વાઇરસના વૅક્સીન બાબતે કોલ્ડ ચેનની સ્ટોરેજ બાબતે જણાવ્યું હતું કે, રાજ્યમાં 1.25 કરોડની કેપેસિટી સમાવી શકાય તેટલી સુવિધા કરવામાં આવી છે. જેમ વિભાગીય વૅક્સીન સ્ટોર 68,417, જિલ્લા કોર્પોરેશન વૅક્સીન સેન્ટર 27,935 સાથે કુલ 1,96,545 સેન્ટરો રાખવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા, ભાવનગર અને ગાંધીનગર છ વિભાગીય વ્યક્તિ ઇન્સ્ટોલ પણ તૈયાર કરવામાં આવશે.
વૅક્સીનનો કેટલો ડોઝ હશે ??
કોરોના વૅક્સીન આપતી વખતે વ્યક્તિને કેટલો ડોઝ આપવામાં આવશે તે બાબતે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, 0.5 એમ.એલ ડોઝ જ એક દર્દીને આપવામાં આવશે. જ્યારે 28 દિવસની અંદર એ જ વ્યક્તિને બીજો ડોઝ આપવામાં આવશે. આમ 28 દિવસમાં કુલ બે વખતના ડોઝ લેવામાં આવશે. જ્યારે અત્યાર સુધી કોઈના વ્યક્તિની ટ્રાયલમાં કિડની હૃદય અને લિવર પર કોઈ જ પ્રકારની સાઈડ અસર થશે નહીં તેવું પણ તજજ્ઞ ડૉક્ટરો દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું.
રાજ્યમાં દરેક સેન્ટરમાં 100 લોકોને વૅક્સીન, એક દિવસમાં કુલ 16 લાખ લોકોને વૅક્સીન
ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યના દરેક સેન્ટરમાં 100 લોકોને જ વૅક્સીન આપવામાં આવશે. જ્યારે વેકસીન લેવા આવનારા વ્યક્તિઓને અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેથી એક દિવસે રાજ્યમાં કુલ 16 લાખ લોકોને વૅક્સીન આપવામાં આવશે.
વૅક્સીન બાદ કોરોનાની ગાઈડલાઇન્સ ફોલો કરવી જરૂરી
વૅક્સીન લીધા બાદ દરેક વ્યક્તિએ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી કોરોનાની ગાઈડલાઇન્સને પણ ફોલો કરવી જરૂરી રહેશે. જેમાં માસ્ક પહેરવું, સામાજિક અંતર રાખવું અને વારંવાર હાથ ધોવાના નિયમો હંમેશા પાડવાના રહેશે. આ વૅક્સીનનો સમયગાળો સમગ્ર ગુજરાતમાં એક વર્ષ સુધી ચાલે તેવી પણ વાત રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કરી હતી.