ગાંધીનગરઃ કલોલ તાલુકાના રાંચરડામા 6 વર્ષના બાળકને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેને લઇને તેના અને તેના પરિવારના સંપર્કમાં આવેલા 42 લોકોના સેમ્પલ લેવાયા હતા. જે તમામ રીપોર્ટ નેગેટિવ આવ્યા હતા. તેમજ હોટ સ્પોટ વિસ્તાર ખોરજમાં 14 દિવસનો હાઉસ ટુ હાઉસ સર્વે કરાયો હતો. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા ગાંધીનગર જિલ્લાના હોટ સ્પોટ વિસ્તાર રાંચરડામાં 7192ની વસ્તીમાં 14 દિવસ માટે દરરોજ હાઉસ ટુ હાઉસ સર્વે, આઇ.ઇ.સી. પ્રવૃત્તિ, માઇક પ્રચારની કામગીરી કરવામાં આવી રહી છે.
ગાંધીનગરના કલોલ તાલુકાના રાંચરડામા 6 વર્ષના બાળકને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયુ હતુ. હજુ સુધી 6 વર્ષનો બાળક કેવી રીતે સંપર્કમાં આવ્યો તે જાણી શકાયું નથી, તેને લઈને સઘન મોનીટરીંગ કરી જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે એનાલિસિસ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે સમગ્ર રાંચરડા ગામ અને તેની આજુ-બાજુના વિસ્તારમાં સોડિયમ હાઇપોકલોરાઇડ સોલ્યુશન દ્વારા સળંગ ત્રણ દિવસ સુધી સ્પ્રેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
હોટ સ્પોટ વિસ્તાર રાંચરડા ખાતે કુલ 7192 વસ્તીના સર્વે દરમિયાન શરદી, ખાંસી અને તાવ ત્રણેય હોઇ તેવી એક પણ વ્યક્તિ જોવા મળી નથી. તેમજ 12મી એપ્રિલના રોજ રાંચરડા ખાતે લેવામાં આવેલા 42 રીપોર્ટમાંથી તમામ રીપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જેને લઈને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
આગામી 11 એપ્રિલના રોજ વેડા અને પેથાપુર કલસ્ટરના 14 દિવસ પૂર્ણ થયા હતા. 13મી એપ્રિલના રોજ ખોરજ કલસ્ટરના 14 દિવસ પૂર્ણ થયા હતા. 14મી એપ્રિલથી કલોલ તાલુકાના રાંચરડાના હોટ સ્પોટ વિસ્તારમાં કામગીરી ચાલુ રહેશે.
કલોલના કન્ટેન્ટેમન્ટ પ્લાનમાં બતાવ્યા મુજબની 7192ની વસ્તીમાં સર્વેની કામગીરી કરવામાં આવશે. જેમા જિલ્લા કક્ષાની ટીમ અને એમ.ઓ. રાંચરડાની ટીમોને આંતરિક સંકલનમાં રહી 12 ટીમોની રચના કરી ત્રણ ગામોની તમામ વસ્તીને આવરી લેવા તથા એમઓ રાંચરડા તથા જિલ્લા કક્ષાની ટીમ સંકલન કરી જે મેપ બનાવ્યો તે મુજબ કામ કરશે.