દિલ્હીની યુવતી લીનું સિંગ દ્વારા ગુજરાતમાં ફરજ બજાવતા IAS ગૌરવ દહિયા પર આક્ષેપ કર્યા હતા કે, ગૌરવ દહિયાએ તેની સાથે લગ્ન કર્યા છે. જ્યારે થોડા સમયથી ગૌરવ દહિયાએ લીનું સિંગ અને તેની દીકરી સાથે પણ બોલવવાનું બંધ કર્યું હતું. જ્યારે દહિયાએ દિલ્હીમાં યુવતીને એક ફ્લેટ પણ ભેટમાં આપ્યો હોવાની વાત પણ સામે આવી હતી.
આ વાત સચિવાલય અને ગુજરાત રાજ્યમાં દરેકના મુખે ચર્ચાતી હતી. જેમાં રાજ્ય સરકારની છબી ખરડાતી હતી. જેને લઈને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા એક ખાસ કમિટી બનાવીને સ્પેશિયલ રિપોર્ટ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી. જેમાં ગૌરવ દહિયાને 2 વખત તપાસ માટે બોલાવવામાં આવ્યા હતાં. આ રિપોર્ટને આધારે સીએમ વિજય રૂપાણીએ 14 ઓગસ્ટના દિવસે 3 મહિના માટે IAS ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો.
જ્યારે તપાસ હજુ શરૂ જ હતી તે દરમિયાન સીએમ રૂપાણીએ ફરી બીજી વખત વધુ 3 મહિના માટે દહિયાને સસ્પેન્ડ કરવાનો હુકમ આપ્યો છે. જ્યારે કમિટીએ પીડિત યુવતી લીનું સિંગનું પણ નિવેદન લીધું હતું. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, દહિયાને સસ્પેન્ડ કર્યા બાદ 2 વખત કમિટીની બેઠક મળી હતી. જેમાં દહિયાનાં વધુ 3 મહિના માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કમિટી દ્વારા કરવામાં આવી હતી. જે રિપોર્ટ સીએમ સુધી પહોંચતા સીએમ દ્વારા ત્વરિત રીતે ગૌરવ દહિયાને વધુ 3 માસ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.