ગાંધીનગર: દેશના 74માં સ્વતંત્ર દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી જાહેરાત કરતા નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની જાહેરાત કરી છે. આ જાહેરાતને લઈને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ યોજનામાં પણ ગુજરાત સમગ્ર દેશમાં આગળ પડતું રાજ્ય બનશે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી રાષ્ટ્રીય આરોગ્ય ડિજિટલ મિશન દેશભરમાં ચલાવવામાં આવશે, તેવી મહત્વની જાહેરાત લાલ કિલ્લા પરથી કરી છે. આ યોજના હેઠળ દરેક નાગરિકોને હેલ્થ આઈડી આપવામાં આવશે. આ આઇડીમાં દરેક નાગરિકના શ્વાસનો સંપૂર્ણ હિસાબ રાખવામાં આવશે. આ તમામ હિસાબ ડિજિટલ રાખવામાં આવશે, એવી પણ વાત સામે આવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે આરોગ્ય સંબંધિત ઓળખ માટે એક એપ અથવા વેબસાઇટ પર માહિતી રાખવામાં આવશે અને જે દરેક નાગરિકને એક અનોખી હેલ્થ આઈડી આપશે, ત્યારે આ જાહેરાતને લઇને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે જાહેરાત કરી છે. તેને ગુજરાતની જનતા વતી આવકારવામાં આવે છે. જ્યારે આ યોજના સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી વધુ અમલી કરવામાં આવશે અને ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં સૌથી વધુ લીડ ધરાવતું રાજ્ય બનશે.
આમ કેન્દ્ર સરકારની જાહેરાત બાદ હવે ગુજરાતમાં પણ રાજ્યના તમામ નાગરિકોનું ડિજિટલ હેલ્થ કાર્ડ ઇશ્યૂ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે.