ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મીડિયાને સંબોધન કરતા કહ્યું કે, હજુ પણ સરકારના અધિકારીઓ અને પ્રધાનો સોમનાથ સહિતના વિસ્તારોમાં જ રહેશે. ગુજરાત પર 'વાયુ' વાવાઝોડાનું સંકટ હતું તે, દૂર થયું છે. વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ ગયું છે. કેન્દ્રના હવામાન ખાતા વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, તેમ છતાં આજની રાત હાઇ અલર્ટ રહેશે. જેને લઇને અધિકારીઓને તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.
આ અંગે સવારે બેઠક કર્યા બાદ નિર્ણય કરવામાં આવશે. વાવાઝોડાના કારણે જે વિસ્તારોમાં સમસ્યાઓ ઉભી થઈ હતી. તે વિસ્તારોમાં સમસ્યા દૂર કરવામાં આવી રહી છે. દ્વારકા, પોરબંદર, વેરાવળ, સોમનાથ અને અમરેલીમાં વાવાઝોડાની અસર થઈ શકે તેમ છે. વાયુ વાવાઝોડાના કારણે રાજ્યના હવામાનમાં બદલાવ આવી ગયો છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે સરકાર અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. વરસાદ પડવાથી ગરમીમાં રાહત થઇ છે, જ્યારે વાવાઝોડા ફંટાઈ જવાથી રાજ્ય પર આવનારી અણધારી મુસીબત ખતમ થતા હવે ચિંતા પણ હળવી થઈ છે.
છેલ્લા ત્રણ દિવસથી મુખ્યપ્રધાન સહિત તમામ વિભાગના સચિવ વાવાઝોડાને લઈને સતત મોનિટરિંગ કરી રહ્યા હતા. આજે પણ સાંજે મુખ્યપ્રધાને સ્ટેટ કંટ્રોલ રૂમમાં હાજર રહી માનવીને સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના વડા સાથે વાવાઝોડાની અસર અને તકલીફોથી માહિતગાર થયા હતા. તેમની સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, રાજ્યના ચીફ સેક્રેટરી જે.એન.સિંઘ, મહેસુલ પ્રધાન કૌશિક પટેલ, NDRFના અધિકારીઓ સહિતના લોકો હાજર રહ્યાં હતા.