ગાંધીનગર : ગુજરાતમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા અત્યારે ચાલી રહી છે, ત્યારે પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓના પરીક્ષા પેપરની ચકાસણી હાથ ધરવામાં આવશે. જેમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલીમાં વહેલી તકે વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર થાય તે બાબતનું ખાસ આયોજન છે. ઉપરાંત સામાન્ય પ્રવાહમાં સંસ્કૃતનું પેપર પણ ફરીથી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કેટલા કેન્દ્રમાં પર પેપર ચકાસણી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ પરીક્ષા સચિવ તરુલતા પટેલે જણાવ્યું હતું કે, ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા હવે પૂર્ણ થવા જઈ રહી છે, ત્યારે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના પરીક્ષાની પેપર તપાસની કામગીરી હાથ ધરવામાં આવશે. પરીક્ષા પેપર ચકાસણીમાં ગુજરાતમાં આશરે 362 જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર તૈયાર કરવામાં આવશે. આ પરીક્ષા મૂલ્યાંકન કેન્દ્ર પર જ પેપરની ચકાસણી હાથ કરવામાં આવશે.
આ પણ વાંચો : Board Exams 2023 : ધોરણ 10ના ગુજરાતીના પેપરમાં નિબંધનું મહત્વ, મોબાઇલના લાભાલાભ સહિત કયા નિબંધ પૂછાયા જૂઓ
દિવસના આટલા પેપરની થઈ શકે તપાસણી : 16.50 લાખ વિદ્યાર્થીઓના પેપરની તપાસણી હાથ ધરવામાં આવશે. શિક્ષકોની વાત કરવામાં આવે તો, પરીક્ષા ચકાસણીમાં કુલ 61,500 શિક્ષકો પેપરની તપાસ કરશે. જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 25,500 શિક્ષકો, વિજ્ઞાન પ્રવાહમાં 9000 શિક્ષકો અને ધોરણ 10માં 27,000 શિક્ષકો પરીક્ષા પેપરની ચકાસણીની કામગીરીમાં જોડાશે. જેમાં એક શિક્ષક પ્રતિ દિવસ 25થી 30 જેટલા પેપરની ચકાસણી કરે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે પેપર તપાસણી સવારે 11 વાગ્યાની સાંજના 5 વાગ્યા સુધી કરવામાં આવશે.
આ પણ વાંચો : New System: પેપર લીકને રોકવા વીર નર્મદ યુનિવર્સિટી લાવી નવી સિસ્ટમ, OTP નાખશો તો જ ખોલી શકાશે પેપર
સંસ્કૃતનું પેપર ફરી લેવામાં આવશે : ધોરણ 12 સામાન્ય પ્રવાહ બાદનું સંસ્કૃત માધ્યમનું પેપર કોર્સ બહારનું નીકળતા શિક્ષણ બોર્ડમાં રજૂઆત કરવામાં આવી હતી. 35 ટકાથી વધુ પ્રશ્નો જુના કોર્સના પૂછવામાં આવ્યા હતા. જેથી પરીક્ષાર્થીઓ ચિંતામાં હતા. ત્યારે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સંસ્કૃતિનું પેપર ફરીથી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બાબતે નાયબ પરીક્ષા સચિવ તરુલતા પટેલે જણાવ્યું હતું કે, પ્રશ્નપત્રમાં કેટલાક ભાગના પ્રશ્નો અભ્યાસક્રમની બહાર હોવાના કારણે વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સંસ્કૃત મધ્યમાં પ્રશ્નપત્ર નંબર 701 ફરીથી તારીખ 29 માર્ચે લેવાના નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આશરે 580 જેટલા વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત વિષયનું પેપર ફરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.