ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 20 ડિસેમ્બર 2023 ના દિવસે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કેબિનેટ બેઠકના મુદ્દાઓની વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આરોગ્ય વિભાગની કોવિડની ગાઈડલાઇન્સ, વાઇબ્રન્ટ ગુજરાત અને અમદાવાદના કાંકરિયા કાર્નિવલની સુરક્ષા બાબતે ચર્ચા કરવામાં આવશે.
નવી ગાઈડલાઇન્સ મુદ્દે ચર્ચા : કોરોનાનો નવો વેરીયન્ટ ભારત દેશમાં પ્રવેશી ચુક્યો છે. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નવા કોરોના વાયરસને ધ્યાનમાં લઈને તમામ રાજ્યોને સાવચેતી માટેની સૂચનાઓ આપવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાતના તમામ હોસ્પિટલોમાં 17 ડિસેમ્બરના રોજ મોકડ્રિલ પણ યોજાઈ હતી. ત્યારે આવતીકાલની કેબિનેટ બેઠકમાં પણ હોસ્પિટલ તંત્રની કામગીરી બાબતે પણ અને આરોગ્ય વિભાગની તૈયારીઓ બાબતે પણ ચર્ચા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સવારે 10:00 કલાકે કેબિનેટ બેઠકની સાથે સાથે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન તૈયારીઓ બાબતની સમીક્ષા કરશે ત્યારે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ પણ આ બેઠકમાં જોડાશે.
વાઈબ્રન્ટ બાબતે સમીક્ષા : ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ 9 જાન્યુઆરીના રોજ શરૂ થઈ રહી છે ત્યારે હવે ગણતરીના દિવસો જ બાકી છે. આમ આજે મંગળવારે પબ્લિક દિવસ દિવસે મુખ્યપ્રધાન પટેલ ધારાસભ્ય અને સાંસદ સભ્યોને પણ મુલાકાત કરવાનું ટાળ્યું હતું અને આખો દિવસ ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ અંતિમ બેઠક બાબતે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ત્યારે હવે આવતીકાલની કેબિનેટ બેઠકમાં પણ અંતિમ સમીક્ષા બેઠક કરવામાં આવશે.
કાંકરિયા કાર્નિવલ અને પતંગ મહોત્સવની ચર્ચા : 25 ડિસેમ્બરથી અમદાવાદના કાંકરિયા ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલની શરૂઆત થશે. ત્યારે સુરક્ષા બાબતે ગૃહ વિભાગની તૈયારીઓની પણ ચર્ચા કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે. સાથે જ મહત્વની વાત કરવામાં આવે તો સાબરમતીના રિવરફ્રન્ટ ખાતે રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. આ દરમિયાન પતંગ મહોત્સવની કામગીરીની સમીક્ષા અને વિદેશથી કેટલા પતંગ રસિકો ગુજરાતના અમદાવાદ અને કેવડિયા કોલોની ખાતે આવશે તે બાબતની પણ ચર્ચા કેબિનેટ બેઠકમાં પ્રાથમિક ધોરણે કરવામાં આવશે.