ગાંધીનગર : ગુજરાત સરકારના હસ્તક ગુજસેલ કે જેમાં ગુજરાત સરકારની માલિકીના હેલિકોપ્ટર, પ્લેન રાખવામાં આવે છે એ વિભાગ સીધો એવિએશન વિભાગની અંતર્ગત કામ કરે છે. થોડા દિવસ પહેલા જ ગુજસેલના મુખ્ય અધિકારી અજય ચૌહાણ દ્વારા પોતાના અંગત ઉપયોગ માટે સરકારી પ્લેન અને હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હોવાની વિગતો સામે આવી હતી. જેમાં આજે વિધાનસભા ગૃહમાં સરકારે એરોપ્લેન અને હેલિકોપ્ટરની જાળવણી માટે 36 કરોડથી વધું રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનું સરકારે લેખિતમાં જણાવ્યું હતું.
કોંગ્રેસે કર્યો પ્રશ્ન : ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં એરોપ્લેન અને હેલિકોપ્ટર માટે થયેલ ખર્ચના પ્રશ્નો કર્યો હતો. જેમાં 31 જાન્યુઆરી 2023ની સ્થિતિએ ગુજરાત સરકાર કેટલા એરોપ્લેન અને હેલિકોપ્ટર છે તેનો રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે ગુજરાત સરકાર હસ્તક બે એરોપ્લેન અને એક હેલિકોપ્ટર હાલમાં કાર્યરત છે. જ્યારે કેટલી વખત આ બે એરોપ્લેન અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના જવાબમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે એક ફેબ્રુઆરી 2021થી 31 જાન્યુઆરી 2022 સુધી એરોપ્લેનનો 53 વખત હેલિકોપ્ટરનો 81 વખત અને જેટ એરોપ્લેનનો 89 વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત એક ફેબ્રુઆરી 2022 થી 31 જાન્યુઆરી 2023 સુધીમાં એરોપ્લેનનો 72 વખત હેલિકોપ્ટરનો 97 વખત અને જેટ એરોપ્લેનનો 94 વખત ઉપયોગ કરવામાં આવ્યો છે.
હેલિકોપ્ટર અને પાયલોટ પાછળ કેટલો ખર્ચ થયો : કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ 31 જાન્યુઆરી 2023ની પરિસ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર હસ્તક એરોપ્લેન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ પાયલોટ તથા અન્ય સ્ટાફ માટે કેટલા ખર્ચ કરવામાં આવ્યા છે તેવો પણ પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે એ તો ફેબ્રુઆરી 2021થી 31 જાન્યુઆરી 2022 સુધીમાં પ્લેન પાછળ કુલ 4,02,60,940 કરોડ રૂપિયા, 01 ફેબ્રુઆરી 2022 થી 31 જાન્યુઆરી 2023 સુધી 4,01,55,000નો ખર્ચ પ્લેન પાછળ કરવામાં આવ્યો છે. હેલિકોપ્ટર પાછળ 01 ફેબ્રુઆરી 2021થી 31 ફેબ્રુઆરી 2022 સુધીમાં 3,49,46,260 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો, 01 ફેબ્રુઆરી 2022થી 31 જાન્યુઆરી 2023 સુધીમાં કુલ 3,59,64,795 કરોડનો ખર્ચ હેલિકોપ્ટર માટે કરવામાં આવ્યો છે. જ્યારે જેટ એરોપ્લેનમાં 01-02-2021 થી 31-01-2022 સુધીમાં 10,14,26,526 અને વર્ષ 01-02-2022 થી 31-01-2023 સુધીમાં 10,73,20,109 કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે, આમ છેલ્લા 2 વર્ષમાં હેલિકોપ્ટર, પ્લેન અને જેટ એરોપ્લેન 31 જાન્યુઆરી 2023 સુધીમાં કુલ 36,00,73,630 કરોડનો ખર્ચ સરકારે કર્યો હોવાનું પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું છે.
ખાનગી કંપની કરે છે મેન્ટેનન્સ : કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ગુજરાત સરકારના નવા વિમાન ખરીદવા બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે 21 નવેમ્બર 2019 ના રોજ રાજ્ય સરકારે વિમાન પોતાના હસ્તક લીધું હતુ. જેમાં સરકારે 197,90,22,366 કરોડના ખર્ચે વિમાન લીધું હતું. જ્યારે સરકાર દ્વારા પ્લેનના મેન્ટેનન્સની જવાબદારી ખાનગી કંપનીને આપવામાં આવી છે. જેમાં છેલ્લા 2 વર્ષમાં સરકારે કુલ 20,80,68,929 કરોડનો ખર્ચ મેન્ટેનન્સ પાછળ કરવામાં આવ્યો છે.
સીપ્લેનનું આયોજન પણ ક્યારે ? : ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં ભાજપના બાપુનગરના ધારાસભ્ય રાજ્યમાં સી પ્લેન શરૂ કરવા બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં 31 ડિસેમ્બર 2022ની સ્થિતિએ રાજ્યમાં સરકાર દ્વારા સી પ્લેન પુન શરૂ કરવાનું કોઈ આયોજન છે કે નહીં તેમાં રાજ્ય સરકારે હકારાત્મક જવાબ આપ્યો હતો અને નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધર્યા બાદ સેવા પુનઃ શરૂ કરવામાં આવશે તેવો લેખિતમાં પણ રાજ્ય સરકારે જવાબ આપ્યો હતો. પરંતુ ગૃહમાં આ સવાલ આવ્યો ત્યારે બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ હાજર રહ્યા ન હતા. જેથી વિધાનસભા ગૃહમાં પ્રશ્રને સ્કીપ કરવામાં આવ્યો હતો.