નવી દિલ્હી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે મતદાનની તારીખોનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે. જેના કારણે તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. હવે ભાજપે પણ આવનારી વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર (Names of candidates announced) કરી દીધા છે. પહેલી યાદીમાં ભાજપે 160 જેટલા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે 160 બેઠકમાંથી 14 મહિલા ઉમેદવારને ટિકિટ આપી (Ticket given to woman candidate) છે.
14 મહિલા ઉમેદવારોને ટિકિટ અપાઈ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ દ્વારા તેમના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી 14 મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. ભાજપ દ્વારા જામનગર ઉત્તર બેઠક પરથી હકુભા જાડેજાની ટિકિટ કાપવામાં આવી છે. તેમની જગ્યાએ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે. જ્યારે ગોંડલ બેઠક પરથી ગીતાબા જાડેજાને રિપીટ કરવામાં આવ્યા છે. ગોંડલ બેઠક પર છેલ્લા ઘણા સમયથી ટિકિટને લઈને માથાકુટ ચાલી રહી હતી. ગોંડલના જયરાજસિંહ અને રીબડાના અનિરુધ્ધસિંહ પોત-પોતાના દીકરાઓને ટિકિટ અપાવવા માટે મથામણ કરી રહ્યા હતા. જોકે, પાર્ટી દ્વારા વર્તમાન ધારાસભ્ય પર જ પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.
ભાજપે જાહેર કરેલા મહિલા ઉમેદવારોના નામ
ક્રમ બેઠક ઉમેદવારનું નામ
1) વડોદરા શહેર - મનીષાબેન વકીલ
2) બાયડ - ભીખીબેન પરમાર
3) મોરવા હડફ - નિમિશાબેન સુથાર
4) અસારવા - દર્શનાબેન વાઘેલા
5) ગોંડલ - ગીતાબા જાડેજા
6) જામનગર ઉત્તર - રિવાબા જાડેજા
7) નાંદોદ - ડૉ. દર્શનાબેન દેશમુખ
8) લિંબાયત - સંગીતાબેન પાટિલ
9) ઢવાણ - જિગ્નાબેન પંડ્યા
10) નરોડા - ડૉ. પાયલબેન કુકરાણી
11) ઠક્કરબાપા નગર - કંચનબેન રાદડિયા
12) રાજકોટ ગ્રામીણ - ભાનુબેન બાબરિયા
13) રાજકોટ પશ્ચિમ - ડૉ. દર્શિતાબેન શાહ
14) ગાંધીધામ - માલતીબેન મહેશ્વરી
નેતાઓને પાર્ટી દ્વારા મોડી રાત્રે જ ફોન કરાયા: તમને જણાવી દઈએ કે ગઈકાલે દિલ્હીમાં પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત અનેક દિગ્ગજો હાજર હતા. કેટલાક નેતાઓને પાર્ટી દ્વારા મોડી રાત્રે જ ફોન કરી દેવામાં આવ્યા હતા.