આ અંગે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે, અત્યાર સુધી વડોદરા, ભરૂચ, પંચમહાલ અને છોટાઉદેપુર લોકસભા સીટ બાબતે ચર્ચા કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસે તણાવમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા 4 ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે. જ્યારે ભાજપે ગુજરાતની 26 બેઠકમાંથી એક પણ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. તેવા સમયે રવિવારે મુખ્યપ્રધાનના બંગલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની 11 બેઠકોની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે, અત્યાર સુધી 4 લોકસભા બેઠકની ચર્ચા પૂર્ણ થઈ છે. જ્યારે હજુ પણ 3 બેઠકોની ચર્ચા કરવામાં આવશે. ચૂંટણી જીતવા માટે દરેક પ્રકારની રણનીતિ ગણવામાં આવે છે, ત્યારે તેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે. દરેક લોકસભામાંથી યોગ્ય નામોની પેનલ બનાવી કેન્દ્રમાં મોકલવામાં આવશે, ત્યારબાદ ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવશે.
કોંગ્રેસ દ્વારા "ચોકીદાર ચોર હે"ના સુત્રને લઈને નરેન્દ્ર મોદીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ભાજપે આ સુત્રને લઈને હકારાત્મક પ્રતિભાવ આપ્યાં છે. આ મામલે ભરત પંડ્યાએ કહ્યું કે, જે દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે છે. તે દરેક નાગરિક એક ચોકીદાર છે.
આહીર સમાજ દ્વારા સંમેલનની તૈયારી કરવામાં આવી રહી છે. તેમના સમાજને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની વાત આગળ કરવામાં આવી રહી છે, ત્યારે તેમણે કહ્યું કે, કોઇ સમાજની નારાજગી નથી કોર્ટ કેસ છે, ત્યારે અમે વધારે જાણતા નથી. ચૂંટણી જાહેર થઈ ગઈ છે. સરકારી સાધન સહાયનો ઉપયોગ કરી શકાતો નથી. આ સમયે મુખ્યપ્રધાન નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી છે, ત્યારે તેમણે કહ્યું કે, કોંગ્રેસ પણ પોતાના CMના બંગલે આ પ્રકારની બેઠક યોજાતી હોય છે.