ગાંધીનગરઃ આગામી લોકસભા ચૂંટણી જીતવા માટે ભાજપે તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપ આ મામલે નસીબદાર છે કારણ કે ભાજપને ચૂંટણીની બેવડી તૈયારીઓ કરવાનો મોકો મળ્યો છે. ભાજપ 'પક્ષ ' અને ભાજપ 'સરકાર' એમ બંનેએ પોત પોતાની રીતે જનતાને આકર્ષવાના અને લોકસભા ચૂંટણીમાં બહુમત મેળવવા પ્રયત્નો શરુ કરી દીધા છે. ભાજપ 'પક્ષ ' તરફથી કમલમમાં બેઠકોનો દોર શરુ થઈ ગયો છે. જ્યારે ભાજપ 'સરકાર' તરફથી 5000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
કમલમાં બેઠકો શરુઃ ભાજપ 'પક્ષ 'ની લોકસભા ચૂંટણી સંદર્ભે તૈયારીઓની વાત કરીએ તો હેડ ક્વાર્ટર કમલમમાં બેઠકોનો દોર શરુ થઈ ગયો છે. જેમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. લોકસભા ચૂંટણીની તારીખો માર્ચ મહિનામાં જાહેર થાય તેવી શક્યતા છે. જો કે ભાજપ 'પક્ષ ' દ્વારા રાજ્યની 26 લોકસભા બેઠકો પર 15મી જાન્યુઆરીથી જ જનસંપર્ક કાર્યાલયો શરુ કરવાની તૈયારીઓ શરુ કરાશે. જાન્યુઆરી મહિનાની 30મી તારીખ સુધીમાં દરેક બેઠક પર જનસંપર્ક કાર્યાલય ખુલી ગયા હશે અને કાર્યરત થઈ ગયા હશે. આ જનસંપર્ક કાર્યાલયો વિશે નિવેદન ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ આપ્યું હતું.
5000 જગ્યાઓ પર ભરતીની જાહેરાતઃ આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સંવર્ગની પરીક્ષા યોજી 5000 સરકારી પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. વર્ગ 3ની ભરતી માટે સરકારે નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. જેમાં જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક જેવી વિવિધ 17 જેટલી કેડર્સની પરીક્ષાઓ એકસાથે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી ઉમેદવારોએ વિવિધ કેડરમાં અલગ અલગ પરીક્ષાની તૈયારી કરવાને બદલે માત્ર 1 જ પરીક્ષાની તૈયારી કરવાની રહે. આ તમામ પરીક્ષાની સીસ્ટમ ઓનલાઈન રહેશે. ઓનલાઈન લેવામાં આવતી પરીક્ષાનું આયોજન TCS દ્વારા કરવામાં આવશે. પરીક્ષાઓમાં થતી ગેરરીતી રોકવા માટે ઓનલાઈન પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પરીક્ષા દરેક ઉમેદવાર આપી શકે તે માટે પરીક્ષાનો સમયગાળો 7થી 8 દિવસનો રાખવામાં આવ્યો છે. જેમાં અલગ અલગ બેચમાં ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવશે.
આ તમામ જગ્યાઓ માટે એક જ જાહેરાતથી અરજીઓ મંગાવવામાં આવશે. આ તમામ ઉમેદવારોની પ્રાથમિક પરીક્ષા કોમ્પ્યૂટર બેઝ્ડ રીક્રુટમેન્ટ ટેસ્ટ(CBRT) દ્વારા લેવામાં આવશે. આ પરીક્ષા 100 ગુણની હશે. કોમ્પ્યૂટર પરીક્ષા બાદ મેઈન્સ પરીક્ષા યોજવામાં આવશે...હસમુખ પટેલ(સચિવ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર)