આ બાબતે રાજયકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૭માં નશાબંધી અધિનિયમમાં સુધારો કરી, કાયદાને કડક બનાવી દારૂના ઉત્પાદન, ખરીદ-વેચાણ અને હેરફેર કરનારા ગુનેગારોની સજામાં ત્રણ ગણો વધારો કરી ૧૦ વર્ષ સુધીની કેદની સજા અને રૂપિયા ૫ લાખ સુધીના દંડની જોગવાઇ કરી છે. દારૂ પીને જાહેરમાં દંગલ કરનાર, અસભ્ય વર્તન કરનારને ૩ વર્ષ સુધીની કેદ, દંડની જોગવાઇ અને નશાબંધીની અમલવારી કરનાર ફરજ પરના અધિકારીને અડચણ, હુમલો કરનારને ૫ વર્ષ સુધીની કેદ અને રૂપિયા ૫ લાખથી ઓછો નહી તેટલા દંડની જોગવાઇ કરી છે.
તેમણે વધુમાં કહ્યું કે COTPA સુધારા વિધેયક ૨૦૧૯ રજૂ કરતા જણાવ્યું કે, હાલમાં રાજ્યમાં યુવાનોમાં આરોગ્ય માટે જોખમી એવી ઇ-સિગારેટનું વ્યસન વધી રહ્યું છે. ઇ-સિગારેટ એ બેટરીથી ચાલતું એક એવું સાધન છે, તેમાં રહેલા પ્રવાહીને એરોસોલમાં પરિવર્તિત કરે છે અને બહાર કાઢે છે. સિગારેટમાં જે પ્રવાહી હોય છે તેમાં નિકોટીન, પ્રોપીલીન ગ્લાયકોલ, ગ્લિસરીન અને અન્ય રસાયણો હોય છે. એરોસોલમાં ઘણા હાનિકારક તત્વો ઉપરાંત તેમાં રહેલું ડાયાસીટીલ નામનું રસાયણ ફેફસા માટે નુકશાનકારક બનતું હોવાની સાથે સીસુ જેવી ધાતુ કેન્સરના રોગને નોંતરે છે.
રાજ્યનું યુવાધન આ નવા પ્રકારના જોખમી વ્યસનની લતના રવાડે ન ચઢે તે માટે રાજ્ય સરકારે મૂળ COTPA- 2003ના કાયદામાં સુધારો કરી હવેથી ઇ-સિગારેટના ઉત્પાદન, આયાત, જાહેરાત અને વેચાણ, (ઓનલાઇન સહિત) વિતરણ, વ્યાપાર, આયાત ઉપર પ્રતિબંધ મુકવા સુધારા વિધેયક રજૂ કરાયું છે. કાયદાના ભંગ બદલ ત્રણ વર્ષ સુધીની કેદની સજા કે જે એક વર્ષથી ઓછી નહી અને રૂપિયા 50 હજાર સુધી પરંતુ રૂપિયા 20 હજારથી ઓછો નહી તેટલા દંડની જોગવાઇ કરવામાં આવી છે. સુધારા વિધેયક પસાર થવાથી હવે તે કોગ્નિઝેબલ ગુન્હો ગણાશે અને તેની સાધન સામગ્રી કબ્જે લેવાની સત્તા પી.એસ.આઇ. કે તેનાથી ઉપરના દરજ્જાના અધિકારીને સોંપવામાં આવશે.
દારૂ પીને જાહેરમાં દંગલ કરનાર, અસભ્ય વર્તન કરનારને 3 વર્ષ સુધીની કેદ, દંડની જોગવાઇ અને નશાબંધીની અમલવારી કરનાર ફરજ પરના અધિકારીને અડચણ, હુમલો કરનારને 5 વર્ષ સુધીની કેદ અને રૂપિયા 5 લાખથી ઓછો નહી તેટલા દંડની જોગવાઇ કરી છે.
રાજયમાં ઇ-સિગારેટના વેચાણ ઉપર કોઇ પ્રતિબંધ ન હોવાના કારણે તે સહેલાઇથી ઓન લાઇન ઉપલબ્ધ છે. ફ્રુડ એન્ડ ડ્રગ્સ એડમીનીસ્ટ્રેશન, અમેરિકાના નિયમો પ્રમાણે 18 વર્ષ અને તેથી મોટી ઉંમરની વ્યક્તિઓ જ ઇ-સિગારેટ ખરીદી શકે છે. પરંતુ ભારતમાં ઓનલાઇન અથવા અન્ય કોઇ વેચાણ પર કોઇ પ્રતિબંધ ન હોવાથી 18વર્ષથી નીચેના બાળકો પણ ઇ-સિગારેટ ખરીદી શકે છે. અને ઇ-સિગારેટની તેમને લત લાગતા શારીરિક તેમજ આર્થિક રીતે બરબાદીને આમંત્રણ આપે છે. આ પ્રકારની બદી રાજયના યુવાધનમાં વધારે ખરાબ અસરો ઉભી ન કરે તે હેતુથી તેને ઉગતી જ ડામવી અનિવાર્ય છે. આથી, રાજય સરકાર દ્વારા કાયદામાં સુધારો સૂચવતી જોગવાઇ દાખલ કરવામાં આવી છે.
રાજયનું યુવાધન નશાના માર્ગે ન વળે અને નશાની ચુંગાલમાંથી મુક્ત થાય તે માટે રાજ્ય સરકાર મક્કમ નિર્ધાર કરીને નશાંધીના ચુસ્ત અમલ માટે કાયદાકીય સુધારાઓ કરી કાયદાને વધુ સુદ્રઢ બનાવ્યો છે. ત્યારે ડ્રગ્સ, માદક પદાર્થોના વેચાણ-સંગ્રહ કરનાર કોઇપણ ચમરબંધીને રાજ્ય સરકાર છોડશે નહીં. નાર્કોટીક્સ અને માદક પદાર્થની બદી ડામવા કડક કાર્યવાહી કરાશે. જે વિસ્તારમાં નાર્કોટીક્સ પકડાશે તે વિસ્તારના અધિકારીઓ સામે કડક હાથે અને બુટલેગરો વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરાશે.