ગાંધીનગરઃ રાજ્યમાં લૉકડાઉનના અમલ અંગે વિગતો આપતા ઝાએ ઉમેર્યુ કે, લૉક ડાઉન દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા વિરોધ કરીને નાગરિકોને ગેરમાર્ગે દોરી ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આવી ઘટનાઓમાં સામેલ તત્વોને શોધીને ધરપકડ કરી શક્ય એટલી વધુમાં વધુ કડક કાર્યવાહી કરાશે.
લૉકડાઉનના અમલ તથા કોરોના સંક્રમણને રોકવા માટેની કામગીરીમાં અવરોધ ઉભો ન કરવા લોકોને અપીલ કરતાં ઝાએ પોલીસ સહિત અન્ય સરકારી કર્મચારીઓ પર હુમલો કરનાર કોઇ પણ વ્યક્તિને છોડાશે નહીં એમ ચીમકી ઉચ્ચારી હતી.
જ્યારે ગઇકાલે પોલીસ પરના હુમલાના બે બનાવો પૈકી અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન અને રાજકોટ જિલ્લાના પડધરીમાં એક-એક ગુનો નોંધીને કાર્યવાહી કરાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૮ ગુનામાં ૬૪ આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને જેલના હવાલે કરી દેવાયા છે.
ઝાએ વધુમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કોમ-કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય, કોમી લાગણી ભડકે, શ્રમિકો ગેરમાર્ગે દોરાય તેવી ભડકાઉ પોસ્ટ કે અફવા ન ફેલાવવા ભારપૂર્વક અનુરોધ કરતા કહ્યું કે, આવું બનશે તો તેમની સામે પણ શક્ય એટલા કડક પગલાં લેવાશે. મહેસાણા ખાતે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકનાર સામે ગુનો નોંધીને આરોપીની પાસા હેઠળ ધરપકડ પણ કરાઈ છે.
ઝાએ વધુમાં જણાવ્યું કે, વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે, તેમાં ડ્રોનના સર્વેલન્સથી ૧૭૫ ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં ૧૧,૮૭૮ ગુના દાખલ કરીને ૨૧,૦૭૮ લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ૭૮ ગુના નોંધીને ૮૧ લોકોની ધરપકડ કરાઈ છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી ૨૮૫૬ ગુના નોંધીને ૩૯૮૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી CCTV કેમેરાના ફૂટેજના આધારે ગઈકાલે ૨૩ ગુનામાં ૨૨ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજદિન સુધીમાં ૬૨૯ ગુનામાં કુલ ૮૮૪ લોકોની અટકાયત કરવામાં આવી છે.
આ જ રીતે, સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઈકાલથી આજ સુધીમાં ૧૫ ગુનાની સાથે અત્યાર સુધીમાં ૭૧૬ ગુના દાખલ કરીને ૧૪૫૯ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સોશિયલ માધ્યમો પર અફવા ફેલાવતા વધુ ૧૩ એકાઉન્ટ્સ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આવા ૬૭૪ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા વિડિયોગ્રાફી મારફત ગઈકાલના ૨૦૪ ગુના સહિત અત્યાર સુધીમાં કુલ ૩૦૭૯ ગુના નોંધવામાં આવ્યા છે. ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) દ્વારા ગઈકાલના ૩૬ સહિત આજદિન સુધીમાં કુલ ૧૨૩૩ ગુના દાખલ કરવામાં આવ્યા છે. કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત ગઇકાલના ૫૫ ગુના દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે આજદિન સુધીમાં ૧૦૫૦ ગુના દાખલ કરવામાં આવ્યા છે.
ગઈ કાલથી આજ સુધીમાં જાહેરનામા ભંગના ૨૦૩૬ ગુના, ક્વૉરન્ટાઇન કરેલી વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના ૭૨૯ ગુના તથા અન્ય ૫૬૫ ગુના મળી અત્યાર કુલ ૩૩૩૦ ગુનાઓ દાખલ કરી કુલ ૩૮૬૯ આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ સાથે ૬૧૩૬ વાહન પણ જપ્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૪૪,૭૧૭ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ગતરોજ ૬૧૬૯ અને અત્યાર સુધીમાં ૨,૦૬,૫૪૪ ડિટેઇન કરાયેલાં વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.