ગાંધીનગરઃ દેશમાં કોરોના વાઈરસની મહામારી ચાલી રહી છે. અનેક પત્રકારો પોતાની ચિંતા કર્યા વિના ફિલ્ડમાં ફરીને લોકોને દુનિયામાં શું ચાલી રહ્યું છે તે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં રાજ્યમાં અમદાવાદ અને ગાંધીનગરના પત્રકારો સંક્રમિત થયા છે. ત્યારે ગાંધીનગરની સેવાભાવી સંસ્થા તેમની વહારે આવી છે. સેક્ટર 11 અખબાર ભવન ખાતે વિનામૂલ્યે સેનેટાઇઝ ટનલની સેવા પૂરી પાડી હતી.
હાલમાં દેશભરમાં કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વમાં કહેર મચાવ્યો છે. જેનાથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અનેક લોકો પોતાના ધંધા રોજગાર છોડી વતન પરત જઈ રહ્યા છે. ત્યારે સરકાર તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. ત્યારે દેશની ચોથી જાગીર ગણાતા મીડિયાકર્મીઓ પણ તનતોડ મહેનત કરી સચોટ અને સાચા સમાચાર સમાજ સુધી પહોંચાડી જીવના જોખમે કોરોના સામે લડત લડી મોતની પણ પરવા કર્યા વગર ખડેપગે દેશની સેવામાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે.
જેથી તમામ બાબતોને ધ્યાનમાં લઈ શાયોના એન્ટરપ્રાઇઝ કંપનીના માલિક સુરેન્દ્રસિંહ વાઘેલા અને રાધે-રાધે પરીવાર ગ્રુપ ગાંધીનગરના તન્મય પટેલ, રાહુલ સુખડીયા દ્વારા આજ બુધવારે સવારે અખબાર ભવન સેક્ટર 11 ગાંધીનગર ખાતે નિઃશુલ્ક સેનેટાઈઝર ટનલ સમર્પિત કરી હતી.