ગાંધીનગર : દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન પોતાના ગાંધીનગર લોકસભા વિસ્તારની મુલાકતે આવી રહ્યા છે. અમિત શાહ શનિવાર 20 મેના રોજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલમાં 400 કરોડ રૂપિયાના વિકાસના કામોનું લોકાર્પણ કરશે. ઉપરાંત રામકથા મેદાનમાં રમાઇ રહેલી ધારાસભ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં 30 મિનિટ જેટલો સમય મેદાનમાં હાજર રહેશે.
400 કરોડના પ્રોજેકટની ભેટ : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનતરફથી મળતી માહિતી પ્રમાણે શનિવારે 20 તારીખના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન તથા ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાના રૂપિયા 400 કરોડના કામોના લોકાર્પણ અને ખાતમૂરત કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સેક્ટર 21 ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટર ખાતે પાર્કિંગના નવીનીકરણની કામગીરી સેક્ટર 11 17 21 અને 22 ના આંતરિક રોડને ચાર માર્ગીય કરવાની કામગીરી અને વિવિધ જગ્યા ઉપર સોલાર ટોપ સિસ્ટમ અને સોલર ટ્રી મુકવાની કામગીરીનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત ગાંધીનગર મહાનગર પાલિકાના અધિકારી તથા કર્મચારીઓ માટે સ્ટાફ ક્વાર્ટસ બનાવવાની કામગીરી વિવિધ સેક્ટરમાં કમ્પાઉન્ડ વોલનું ખાતમૂરત પણ અમિત શાહના હસ્તે કરવામાં આવશે... હિતેશ મકવાણા (મેયર, ગાંધીનગર)
બોરીજમાં બાળકોને રમકડાંનું વિતરણ : ગાંધીનગરની બોરીજ ગ્રામ્ય વિસ્તારની શાળાના બાળકો સાથે પણ અમિત શાહ જોવા મળશે. અમિત શાહ બોરીજની પ્રાથમિક શાળાના બાળકોને રમકડાનું વિતરણ કરશે અને ત્યારબાદ 4:30 વાગ્યાની આસપાસ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે 400 કરોડના વિકાસના કામોનું ખાતમૂરત અને લોકાર્પણ કરશે.
ક્રિકેટ મેચની મજા માણશે : ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે 400 કરોડના વિકાસના કામોની ભેટ અર્પણ કર્યાં બાદ અમિત શાહનો આગામી કાર્યક્રમ ક્રિકેટ મેચનો રહેશે.જેમાં ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલના નામે રામકથા મેદાનમાં રમાઈ રહેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ અમિત શાહ 30 મિનિટ જેટલો સમય હાજર હશે અને યુવાઓ સાથે ક્રિકેટ મેચની મજા માણશે.
અમદાવાદ કોર્પોરેશનના 68 કરોડના કામ : કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહ 21 તારીખે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 68 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમૂરત પણ કરશે. જેમાં 25 કરોડના કામના લોકાર્પણ, 35 કરોડના ખાતમૂરત અને 300 જેટલા મકોનાના કે જે વડાપ્રધાન આવાસ યોજના હેઠળ તૈયાર કરવામાં આવ્યા છે તેનો ડ્રો અને મકાનની ફાળવણી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. જ્યારે મોદી સમાજના રાષ્ટ્રીય સંમેલનમાં અમિત શાહ હાજરી આપશે.