ગાંધીનગર : ગુજરાત વિધાનસભા બજેટ સત્રના અંતિમ દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા કેગ સહિતના કેટલાક રિપોર્ટ વિધાનસભાના મેજ ઉપર મૂકવામાં આવે છે. આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ વિરોધ કર્યો હતો. કેગ દ્વારા જે તે વિભાગની કરવામાં આવેલી ટિપ્પણી વિધાનસભા ગૃહમાં ચર્ચા કરવામાં ન આવે અને ચર્ચાથી દૂર ભાગવા માટે સરકાર છેલ્લા દિવસોમાં કેગનો રિપોર્ટ રજૂ કરતા હોવાનો કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો. આ બાબતે વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને બાકી અહેવાલો વહેલીમાં વહેલી તકે વિધાનસભામાં મુકાય તે બાબતની પણ રજૂઆત કરવામાં આવી છે.
અનિયમિતતાઓ છુપાવવાના પ્રયાસ : અમિત ચાવડાએ વધુમાં આક્ષેપ કર્યો હતા કે ભારતીય જનતા પાર્ટીની સરકાર પહેલા દિવસથી માનસિકતા રહી છે કે સત્ર ઓછું મળે, મુદ્દાઓ પર ઓછી ચર્ચાઓ થાય. CAG દ્વારા દર વર્ષે રાજ્ય સરકારના તમામ વિભાગોનું ઓડિટ કરવામાં આવે છે. નાણાકીય ગેરરીતિ થઈ હોય તેના અનુસંધાનમાં રિપોર્ટ કરે અને રિપોર્ટ વિધાનસભા ગૃહના મેજ પર મુકવો ફરજિયાત છે.
સત્રના પહેલા અઠવાડિયામાં રિપોર્ટ મૂકવા માગ : આ રિપોર્ટ ગૃહની શરૂઆતમાં વિધાનસભાનું સત્ર મળે એના પહેલા અઠવાડિયાની અંદર રિપોર્ટ મૂકવામાં આવે. જેથી કરીને આખા વિધાનસભા તંત્ર દરમિયાનની ચર્ચાઓમાં એનો ઉલ્લેખ કરી શકે એનો જવાબ સરકાર પાસેથી માગી શકે. પણ છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપ દ્વારા પોતાની અનિયમિતતાઓ છુપાવવાના પ્રયાસ રૂપે CAG ના રિપોર્ટને વિધાનસભાનું સત્ર પૂરું થવાનું હોય ત્યારે છેલ્લા દિવસે કામ કરે છે.
કયા રિપોર્ટ હજુ મુકવાના બાકી : કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે કે ગુજરાત સરકારના નાણાંકીય વર્ષ 2019-2020, 2022 વર્ષના કેગના રિપોર્ટ, મહેસૂલ ક્ષેત્ર,આર્થિક ક્ષેત્ર અને સામાન્ય અને સામાજિક ક્ષેત્રના રિપોર્ટ મુકવામાં આવ્યા નથી. વર્ષ 2017-18, 2018-19, અને વર્ષ 2019-20, 2020-21 અને વર્ષ 2021-22 ના કેગના રિપોર્ટ મૂકવાના બાકી છે. આ રિપોર્ટની ટિપ્પણી પ્રજા સમક્ષ ન આવે, એની ચર્ચા ન થાય એટલા માટે આવું ચાલી રહ્યું હોવાના આક્ષેપ અમિત ચાવડાએ કર્યા હતાં.
આ પણ વાંચો Budget Session: વિકાસની વાત કરતી ભાજપના રાજમાં આજે પણ 50,000 યુવાનો બેરોજગાર, સૌથી વધુ અમદાવાદમાં
માહિતીઓ છુપાવાઇ રહી છે : સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં રજૂ થતાં કેટલાક રિપોર્ટની જાણકારી ખૂબ જ મહત્ત્વનો પ્રકાશ પાડતી હોય છે. આવા રીપોર્ટમાં સરકારના વિભાગોની ગેરરીતિ અને અયોગ્ય ખર્ચાઓ વિશે જાણવા મળતું હોય છે. ત્યારે કેગ રિપોર્ટ સત્રના અંતિમ દિવસે મૂકી સરકાર ચર્ચાથી દૂર ભાગતી હોવાનો કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ સરકાર પણ આક્ષેપ કર્યો છે. છેલ્લાં ત્રણ વર્ષથી આ રીતે માહિતીઓ છુપાવાઇ રહી હોવાનો સરકાર પર આક્ષેપ અમિત ચાવડા કરી રહ્યાં છે.