ગાંધીનગરઃ શહેરમાં આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી લોકરક્ષક દળની પરીક્ષામાં એસસી, એસટી અને ઓબીસી સમાજની મહિલાઓને અન્યાય કરવામાં આવ્યો હોવાની વાતને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને રાજ્ય સરકાર હવે ભીંસમાં મુકાઈ છે. ત્યારે સોમવારે સમાજના આગેવાનો સાથે મુખ્ય પ્રધાને એક બેઠક યોજી હતી. જેમાં 1-8-2018ના પરિપત્રમાં સુધારા કરવામાં આવશે, એવી જાહેરાત કર્યા બાદ આગેવાનોમાં ખુશી છવાઈ ગઈ હતી. પરંતુ કેવા સુધારા કરવામાં આવશે એ અંગે કોઈ ખુલાસો કરાયો નથી. જે કારણે આંદોલન કરી રહેલી મહિલાઓએ કહ્યું કે, જ્યાં સુધી પરિપત્ર રદ્દ નહીં થાય ત્યાં સુધી અમારૂ આ આંદોલન ચાલુ રહેશે.
સત્યાગ્રહ છાવણીમાં ચાલી રહેલા એસસી, એસટી અને ઓબીસી સમાજની મહિલાઓના આંદોલનને લઈને સરકાર પૂરેપૂરી દબાણમાં આવી ગઈ છે. મહિલાઓ દ્વારા કડકડતી ઠંડીમાં આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. અનેક વખત તેમને રામબાણ પ્રયોગ કરીને ઉઠાડી મૂકવાના પેતરા પણ રચવામાં આવ્યા હતા, પરંતુ મહિલાઓ અડગ રહી હતી. ભાજપના જ ધારાસભ્ય અને સંસદ સભ્યો દ્વારા મુખ્ય પ્રધાનને જી.એ.ડી વિભાગ દ્વારા કરવામાં આવેલો પરિપત્ર રદ્દ કરવાની માગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યો પણ મહિલાઓના સમર્થનમાં આવ્યા હતા. આ 1-8-2018નો પરિપત્ર રદ્દ કરવામાં આવે તેવી માગ કરી હતી. સરકાર સામે તમામ દિશાઓમાંથી દબાણ આવી રહ્યું હતું.
રાજ્યના મુખ્ય પ્રધાન અને એસસી, એસટી અને ઓબીસી સમાજના આગેવાનો સાથે મંગળવારે સ્વર્ણિમ સંકુલમાં બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રણછોડ રબારી, દિનેશભાઈ અનાવાડીયા, વાસણ આહિર, અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે, જીએડીના વિવાદાસ્પદ પરિપત્રમા સુધારો કરવામાં આવશે. ઠાકોર સમાજના આગેવાનોની કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરએ મીડિયા સમક્ષ કહ્યું કે, મુખ્ય પ્રધાન સાથે એલઆરડી આંદોલન બાબતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં મુખ્ય પ્રધાને આ પરિપત્રમાં સુધારો કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આ સુધારો ક્યારે કરાશે ? કેવો કરાશે ? કોઈપણ સમાજના આગેવાનો જણાવી શક્યા ન હતા.
રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, બંધારણની જોગવાઈ મુજબ અનામતના હક્કો તમામ વર્ગોને પૂરો પાડવામાં આવશે. બિન અનામત વર્ગના લોકોને નુકસાન ન જાય તેની કાળજી રાખી 1-8-2018ના પરિપત્રમાં જરૂરી સુધારાઓ કરવામાં આવશે. આંદોલન કરી રહેલી મહિલાઓને મારી વિનંતી છે કે, તેઓ હવે આંદોલનને સમાપ્ત કરે. અન્ય રાજ્યોમાં સુધારાઓ કરવામાં આવ્યા છે. તેનો અભ્યાસ કરીને આગામી સમયમાં આ સુધારો અમલમાં મુકવામાં આવશે.
બીજી તરફ સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરી રહેલી પૂજા સાગઠિયાએ જણાવ્યું કે, જ્યાં સુધી 1-8-18નો પરિપત્ર રદ્દ કરવામાં નહીં આવે, ત્યાં સુધી અમારૂ આંદોલન ચાલુ જ રહેશે. પોલીસ દ્વારા અમને ઉઠાડી મુકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમે કોઇપણ ભોગે અમારી માગ નહીં સંતોષાય ત્યાં સુધી હટીશું નહીં.