ગાંધીનગર : અત્યાર સુધીમાંં 39 ટ્રેનને લીલી ઝંડી આપીને અન્ય રાજ્યમાં મોકલી દેવામાં આવી છે. આ બાબતે જાણકારી આપતાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચીવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજ્યના અલગઅલગ જિલ્લામાંથી અત્યાર સુધીમાં કુલ 39 જેટલી શ્રમિક ટ્રેનને લીલીઝંડી આપીને રવાના કરવામાં આવી છે. આ સાથે જ આવનાર દિવસોમાં હજુ 30 જેટલી વધુ શ્રમિકો સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.
રાજ્યના અલગઅલગ જિલ્લામાં ફસાયેલા લોકોને પોતાના વતન પહોંચાડવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તમામ કલેકટરોને શ્રમિકોની માહિતી ભેગી કરવાની સૂચના આપી છે. ઉપરાંત જે તે સમયે કોને કયા રાજ્યમાં કયા જિલ્લામાં જવું છે તે પ્રમાણેની સૂચના ભેગી કરીને ખાસ સ્પેશ્યલ ટ્રેન તે રીતે દોડાવી શકાય તે બાબતે પણ આયોજન માટેની સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે શ્રમિકો પોતાના વતન જવા માટે હવે રોડ રસ્તા પર ઉતરી ગયાં છે અને રાજ્ય સરકાર તેમને વ્યવસ્થા કરી આપે તેવી પણ બાંગ પોકારી છે ત્યારે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તમામ શ્રમિકોને પોતાના વતનમાં જવા માટેની વ્યવસ્થા કરી રહી છે સમયબદ્ધ આયોજન પણ થઈ રહ્યું છે. પરંતુ આ કામ જટિલ હોવાના કારણે કોઈપણ રસ્તા ઉપર ન આવે, કોઈ પણ સમયે અને પોતાના વતન જવા માટે રોકવામાં આવશે નહીં તમામને વતન મોકલવામાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે.