ગાંધીનગર : કેન્દ્ર સરકાર દ્વારા આજે લોકસભા ગૃહમાં રાજકીય ક્ષેત્રે 33 ટકા મહિલા અનામત બિલ બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. આ બિલની વાત કરવામાં આવે તો લોકસભામાં મહિલા અનામત બિલના સમર્થનમાં 454 જેટલા વોટ પડ્યા છે. જ્યારે આ બિલના વિરોધમાં માત્ર બે જ વોટ નોંધાયા છે. ત્યારે આજે લોકસભામાં મહિલા અનામત બિલને લીલી ઝંડી આપવામાં આવી હતી. લોકસભામાં બિલ પસાર થયાની સાથે જ ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મહિલા મોરચા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
પ્રદેશ કાર્યાલયમાં ઉજવણી : લોકસભામાં મહિલા અનામત બિલ પસાર થતાં જ ભાજપ મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવા તેમજ બિલને આવકારવા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંજે છ કલાકે રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકા વિસ્તારોમાં આ બિલને આવકારતો કાર્યક્રમ યોજાયો હતો. સાથે જ ગુજરાત રાજ્ય અને દેશના વિકાસમાં મહિલાઓ વધુમાં વધુ યોગદાન આપી શકે તે અર્થે જ 33 ટકા મહિલા અનામતનું બિલ રજૂ કરવામાં આવ્યું હોવાનું ભાજપ કમલમની અખબારી યાદીમાં જણાવ્યું હતું.
પ્રદેશ અધ્યક્ષનો પ્રતિભાવ : ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા પણ 33 ટકા મહિલા અનામત બિલને આવકાર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરહંમેશ મહિલા સશક્તિકરણ પણ ભાર મુકતા રહ્યા છે. જે અંતર્ગત મહિલાઓ વધુ મજબૂત થાય તે માટે 33 ટકા મહિલા અનામત બિલ રજૂ થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકાર દ્વારા મહિલા અનામત બિલ એટલે કે નારી શક્તિ વંદન બિલ લોકસભામાં અને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. સંસદમાં આ બિલ પસાર થયા પછી લોકસભા અને રાજ્યસભામાં 33 ટકા બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવશે. આમ આ બિલથી રાજકીય ક્ષેત્રે મહિલાઓની સંખ્યા વધે અને દેશના વિકાસમાં મહિલાઓ પણ વધુ યોગદાન આપી શકશે.
મહિલાઓનું યોગદાન વધશે : કેન્દ્ર સરકાર દ્વારા 33 ટકા મહિલા અનામત બિલ બાબતે નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીએ ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારની નીતિની વાત કરવામાં આવે તો કેન્દ્રમાં ભાજપ સરકાર આવી ત્યારથી મહિલાઓને ખૂબ જ માન-સન્માન પ્રાપ્ત થયું છે. જ્યારે આ બિલની શરૂઆત અટલ બિહારી બાજપાઈ સરકાર દ્વારા કરવામાં આવી હતી. પરંતુ જે તે સમયે કોંગ્રેસ પક્ષે આ બિલને મંજૂરી આપી ન હતી. હવે ફરીથી ભાજપ સરકાર સત્તા ઉપર છે, ત્યારે લોકસભામાં બિલ આવી રહ્યું છે. આ બિલથી મહિલા આગળ આવશે, મહિલાઓને જે ચાન્સ મળવા જોઈતા હતા તે હવે ખરેખર મળશે. એક ઘરમાં એક મહિલા શિક્ષિત હોય તો આખું ઘર શિક્ષિત બને છે. તેવી જ રીતે આ બિલથી મહિલાઓ ખૂબ આગળ વધશે.