વિજ્ય રૂપાણીએ બજેટ અંગેની પ્રતિક્રિયા આપતાં જણાવ્યુ હતુ કે, હવે એ સ્ટેજ પર ગુજરાત છે કે, વોટર મેનેજમેન્ટ, ગ્રીન એન્ડ કલીન એનર્જી, સૌર ઊર્જા, પર્યાવરણ, કિસાનો, યુવાનોને રોજગાર, કૃષિ વિકાસ સૌને વિશ્વ સમકક્ષ વિકાસના સમયાનુકુલ અવસરોથી ગુજરાતનો વિકાસ વધુ તેજ બનશે. જ્યારે રાજ્યમાં લોકોને ઘરે-ઘરે નળથી શુધ્ધ પાણી નિયમીત મળે તેવી વ્યવસ્થાઓ વોટર મેનેજમેન્ટ અંતર્ગત આ બજેટમાં કરી છે. રાજ્યમાં 78 # ઘરોમાં નળ દ્વારા શુધ્ધ પાણી પુરૂં પાડવામાં આવે છે. 2022 સુધીમાં રાજ્યના પ્રત્યેક ઘરમાં નળથી પાણી પુરૂં પાડવા આવનારા 3વર્ષમાં રૂ.20 હજાર કરોડ અને આ 2019-20ના એક જ વર્ષમાં રૂ. 4500 કરોડ ખર્ચ કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હલ કરવા દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવવા 8 ડિસેલીનેશન પ્લાન્ટનું કામ ચાલુ છે.દરરોજનું 36 કરોડ લીટર પાણી શુધ્ધ પીવાલાયક બનાવવા માટેનું આયોજન બજેટમાં પ્રતિબિંબિત થયું છે. વોટર મેનેજમેન્ટ જળ વ્યવસ્થાપનને મહત્તા આપતાં જળસંચયના કામો તેમજ મહાનગરોમાં વપરાયેલા ગંદા પાણીનું શુધ્ધિકરણ કરીને રીયુઝ ઓફ ટ્રીટેડ વોટર દ્વારા ઊદ્યોગો, બાગ-બગીચા, ખેતી માટે વપરાશમાં લેવાની બાબતને પણ આ બજેટમાં મહત્વ આપવામાં આવ્યું છે 300 MLD ક્ષમતાના આવા પ્રોજેકટ રાજ્યમાં પ્રગતિમાં છે.
રાજ્યમાં પર્યાવરણ જાળવણી સાથે વિકાસને આ બજેટમાં વેગ આપવામાં આવ્યો છે. થર્મલ એનર્જીને ક્રમશ: ઘટાડતા જવાની નેમ સાથે સોલાર એનર્જી અને વિન્ડ એનર્જીનો કોન્સેપ્ટ હવે ગુજરાતમાં વિકસાવવો છે. હાલની રિન્યુએબલ એનર્જીની ક્ષમતાને 2022 સુધીમાં 30 હજાર મેગાવોટ સુધી લઇ જવાનું લક્ષ્ય છે.
રાજ્યના શહેરોને સ્માર્ટ સિટીઝ બનાવવા CCTV નેટવર્ક, ફાટકમુકત ગુજરાત, નગરો-મહાનગરોમાં ફલાય ઓવર તેમજ સ્વચ્છ ભારત મિશન નદી, તળાવોની સફાઇ વેસ્ટ વોટર મેનેજમેન્ટ, પાણી, રસ્તા, સ્ટ્રીટલાઇટ જેવી ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ માટે કરવામાં આવેલી જોગવાઇઓ રજુ કરી હતી.
આ બજેટ યુવાશકિતને વિપૂલ રોજગાર અવસરો આપનારૂં બજેટ ગણાવતાં જણાવ્યું કે,યુવાનોને સમૃધ્ધ અને સશકત બનાવી ‘‘હર હાથ કો કામનો’’ મંત્ર સાકાર કરવાની દિશા લીધી છે.
મુખ્યપ્રધાન રૂપાણીએ આગામી 3 વર્ષમાં 60 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરીમાં તક આપવાના આયોજન ઉપરાંત મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના સહિતની યોજનાઓમાં વ્યાપક રોજગારી, મુદ્રા યોજનામાં સહાય, સખીમંડળોની 50 લાખ બહેનોની આર્થિક આવક વૃધ્ધિ માટે રૂ. 700 કરોડના ધિરાણ ઉપલબ્ધ કરાવાશે.