દ્વારકા: ભાણવડ નજીક અકસ્માતમાં રીક્ષાને અકસ્માત નડતા ત્રણના વ્યકિતના મોત નિપજ્યા છે અને આઠ વ્યક્તિને ગંભીર ઇજા થઇ છે. ઇજાગ્રસ્તોને હાલ જામનગર અને ખંભાળિયા રીફર કરવામાં આવ્યા છે. મળેલી માહિતી અનુસાર જામજોધપુરના ધ્રાફા ગામેથી ભાણવડ તાલુકાના જામ રોજીવાળા ગામે છકડા રિક્ષામાં જતા સમયે રીક્ષા પુલ પરથી નીચે ખાબકયો હતો.
ત્રણ મહિલાના ઘટના સ્થળે મોત: અકસ્માતમાં ત્રણ મહિલાઓના કરુણ મોત થયા છે. મૃત્યુ પામનારની ગીતાબેન ભરતભાઈ નનેરા, હુશેનભાઈ શાહમામદભાઈ અને મુક્તાબેન ધનજી ભાઈ નનેરા તરીકેની ઓળખ થઇ છે. મળતી વિગત અનુસાર છકડો રિક્ષાના ડ્રાઇવરે સ્ટીરીગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. પુલ આમ પણ ખખડધજ થઈ ગયો છે. માલવાહક વાહનો અહીંથી પસાર થતા હમેશા અકસ્માતનો ભય રહે છે.
માલવાહક રિક્ષામાં પેસેન્જર ભર્યા હોવાનું સામે આવ્યું: ઘટનાને પગલે ભાણવડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે નોંધેલી ફરિયાદ અનુસાર માલવાહક રિક્ષામાં પેસેન્જર ભર્યા હોવાથી અકસ્માત થયો હતો. રિક્ષા ઓવરલોડ હતી કે કેમ તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે મૃતદેહોનું પંચનામુ કરી પીએમ અર્થે ખસેડ્યા છે.
પુલની હાલત ખખડધજ: સ્થાનિકો જણાવી રહ્યા છે કે પુલ ખખડધજ હાલતમાં છે અને અહીંથી ભારે વાહનો પસાર થાય ત્યારે સમગ્ર પુલ ધ્રુજવા લાગે છે અને પુલમાં રસ્તો પણ ખરાબ હોવાના કારણે અકસ્માત થવાનો રહે છે. છકડો રીક્ષા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા 45 ફૂટ ઊંચેથી છકડો રીક્ષા નીચે ખાબક્યો હતો છે. મૃત્યુ પામેલી ત્રણ મહિલાઓના મૃતદેહને ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં પીએમ અર્થે લાવવામાં આવ્યા છે.