દેવભૂમિ દ્વારકા: ગુજરાતના પશ્ચિમ છેવાડે આવેલ યાત્રાધામ દ્વારકા એટલે ઓખામંડળ. ઓખામંડળમાં લાખો વર્ષોથી હિન્દુ ક્ષત્રિય વાઘેર સમાજ વસવાટ કરે છે. આ સમાજના આગેવાન સ્વ. વિરમભા માણેક પરિવાર દ્વારા વર્ષોથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. શ્રી વિરમભા માણેકના પુત્ર અને દ્વારકાના ધારાસભ્ય પબુભા વિરમભા માણેક દ્વારા છેલ્લા કેટલાય વર્ષો થયા ક્ષત્રિય હિન્દુ વાઘેર સમાજના સમુહ લગ્ન કરવામાં આવે છે. તેમ જ સાથે સાથે અન્ય સમાજના સમુહ લગ્નમાં પણ આ પરિવારનું મોટું યોગદાન છે.
આજના સમૂહ લગ્નમાં પબુભા દ્વારા 129 કન્યાઓને કન્યાદાન કરવામાં આવ્યું હતું, જે કુલ આંકડો આજે ૧૮૦૦થી ઉપર પાર પહોંચી ગયો છે, એટલે પબુભા દ્વારા ક્ષત્રિય હિન્દુ વાઘેર સમાજની ૧૮૦૦ થી વધારે પણ દીકરીઓના કન્યાદાન કરવામાં આવ્યા છે. આજના સમૂહ લગ્ન દરમિયાન દ્વારકા તેમજ આજુબાજુના વિસ્તારના સંતો-મહંતો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર ડોક્ટર નરેન્દ્ર મીણાના હાજર રહ્યા હતા.
સંતો મહંતો અને મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય બાદ લગ્નમંડપમાં હિન્દુ સાંસ્કૃતિક વિધિ દ્વારા બ્રાહ્મણોએ લગ્ન વિધિ શરૂ કરી હતી. ખૂબ જ સાદી અને સુંદર આ વિધિ જોવાનું પણ એક લ્હાવો છે, ક્ષત્રિય હિન્દુ વાઘેરના યુવાનો લગ્ન દરમ્યાન પોતાનો પરંપરાગત ભાતીગળ ડ્રેસ પહેરે છે અને દીકરીઓ સમાજના રીત રિવાજ મુજબ શણગાર સજીને લગ્નમંડપમાં પોતાનું નવું જીવન શરૂ કરવા માટે આવે છે. આજના લગ્ન બંધને જોડાયેલા 129 નસીબદાર વર-કન્યાને પબુભા માણેક દ્વારા સુંદર ભેટ સોગાદો પણ આપવામાં આવી હતી. લગ્ન વિધિના અંતે ક્ષત્રિય વાઘેર હિન્દુ સમાજના બાળકો દ્વારા સુંદર કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી.