- ખંભાળિયા પાલિકામાં સામાજીક કાર્યકરનો અનોખો વિરોધ
- વ્યાપક ભ્રષ્ટાચાર અને બેજવાબદારી પૂર્વકના વર્તન સામે નોંધાવ્યો વિરોધ
- ચાર મહિનાથી સામાજીક કાર્યકર નટુ ગણાત્રા કરી રહ્યા છે આંદોલન
દેવભૂમિ દ્વારકા: જિલ્લાની ખંભાળિયા નગરપાલિકા ઘણા લાંબા સમયથી ઇન્ચાર્જ ચીફ ઓફિસરથી ચાલે છે. જિલ્લાના વડા મથકમાંં વિકાસની દ્રષ્ટિએ હજુ ઘણું ખૂટે છે તેમ કહી શકાય. પાલિકામાં સરકાર દ્વારા નિયમિત ચીફ ઓફિસર ન મુકાતા વિકાસના કામમાં વિલંબ અને વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાનો પણ સુર ઉઠ્યો છે. નગરપાલિકા દ્વારા ખંભાળિયા સ્મશાન ભૂમિમાં પ્રાર્થના સભા હોલ બનાવવા બાબતે તેમજ ગેરકાયદેસર બાંધકામ દબાણો દૂર થવા બાબતે અને લોકોમાં જનજાગૃતી આવે એવા હેતુથી નગરપાલિકા કચેરી સામે ચાર મહિના જેટલાં સમયથી અહીંના સામાજીક કાર્યકર અને લોહાણા અગ્રણી નટુ ગણાત્રા આંદોલન પર ઉતર્યા છે. નટુ ગણાત્રાએ શહેરના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકામાં ભ્રષ્ટાચારીઓ ઘુસી ગયા હોવાના મોટા મોટા બેનર લગાવ્યા છે.
નટુ ગણાત્રા ફેસબુકમાં લાઈવ થઈને નગરપાલિકા કચેરીમાં ઘુસ્યા હતા
ચાર મહિનાથી નગર પાલિકા કચેરી સામે જ ઉપવાસ પર બેઠેલા નટુ ગણાત્રાની ધીરજ ખૂટતા તેઓ ફેસબુકમાં લાઈવ થઈને નગરપાલિકા કચેરીમાં ઘુસ્યા હતા અને નગર સેવા સદનને બદલે નગર ભ્રષ્ટ સદન અહીં છે તેવો આક્ષેપ કર્યો હતો. આ સિવાય ચીફ ઓફિસરની ગેર હાજરીથી નગરજનોના કામોમાં પારાવાર મુશ્કેલી અને વિલંબ થાય છે અને સુવિધાઓના નામે ભ્રષ્ટાચાર થતો હોવાની વાત કરી હતી. તેમણે પાલિકામાં પ્રવેશ કરતા જણાવ્યું હતું કે, હું મારાં કામ માટે આવ્યો છું તમારા ચીફ ઓફિસરને બોલાવો ચીફ ઓફિસર ન હોય તો તેમના બદલામાં બીજા કોઈને બોલાવો અને કોઈ ન હોય તો મારૂ કામ હું જાતે જ કરી લઈશ. તેવા વિરોધ સાથે તેમણે ચીફ ઓફિસરની ચેમ્બરમાં પ્રવેશી ચીફ ઓફિસરની ખુરશી પર બેસી અને પાલિકાના કર્મચારીઓને પડતર ફાઈલો અંદર લાવવા અને પોતે ચીફ ઓફિસર તરીકે સહી કરશે તેમ કહી અજુગતો વિરોધ નોંધાવ્યો હતો.
નાયક ફિલ્મનુ ઉદાહરણ આપીને પોતે એક દિવસ માટે ચીફ ઓફિસર બનવાની માગ કરી
આ ઘટના બાદ નટુ ગણાત્રાએ જણાવ્યું હતું કે, પાલિકા સામે વિવિધ પ્રશ્નોને લઈને હું લાંબા સમયથી આંદોલન પર છું. પાલિકા ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કરતી નથી લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમણે નાયક ફિલ્મનુ ઉદાહરણ આપીને પોતે એક દિવસ માટે ચીફ ઓફિસર બનવાનો ભાવ રજૂ કરીને પોતાની વ્યથા તંત્ર સુધી પહોંચાડવા ગયા હતા. નગરપાલિકા વિસ્તારનું એક બિન વારસી મકાન જે પાલિકા સાથે મળીને એક ટોળકી પોતાના નામે કરી લેવાની ફિરાકમાં છે, તે અંગે પૂરતા પુરાવા પાલિકાને આપ્યા હોવા છતાં પાલિકા તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરતુ નથી. હિંદુ સમાજના રીતરિવાજ મુજબ સ્મશાને ફક્ત અગ્નિદાહ અપાય છે, પ્રાર્થના ત્યાં થતી નથી. છતાં પાલિકા કરોડો રૂપિયા વેડફી ત્યાં સ્મશાનએ પ્રાર્થના હોલ બનાવવા માગે છે. જયારે શહેરમાં અનેક હોલ, સમાજ વાડી પ્રાર્થના કરવા માટે છે. આવા અનેક કામોમાં નજરે દેખતા ભ્રષ્ટાચાર થાય છે, છતાં પાલિકા બેજવાબદારી પૂર્વક વર્તી રહ્યું છે એનો વિરોધ છે.