- ઓખા અને બેટ દ્વારકા વચ્ચે રૂ. 900 કરોડના ખર્ચે બનશે સિગ્નેચર બ્રિજ
- દ્વારકા સુધીના 4.5 કિલોમીટરના આ બ્રિજનું કામ આવતા વર્ષે પૂર્ણ થશે
- બ્રિજની ઓખા બાજુની લંબાઈ 1066, બેટદ્વારકા બાજુની લંબાઈ 1180 મીટર રહેશે
- ઓખાથી બેટ દ્વારકા સુધી સમુદ્રમાં વીજ પૂરવઠો ન ખોરવા તે માટે 15 કેબલ નખાયા
- દરિયાઈ બ્રિજ ક્રેનથી બનાવાઈ રહ્યા છે, જેમાં 11 પિલર ઊભા કરવામાં આવશે
દેવભૂમિ દ્વારકાઃ દેશ અને વિદેશથી લોકો દ્વારકા યાત્રાધામના દર્શનાર્થે આવતા હોય છે. આ તમામ યાત્રાળુઓની સુવિધા માટે હવે ઓખાથી બેટ દ્વારકા સુધી સમુદ્રમાં દરિયાઈ બ્રિજ બની રહ્યો છે. અહીં નિર્માણ પામનારા સિગ્નેચર બ્રિજનું કામ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ બ્રિજમાં 11 પિલર રાખવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2017માં ઓખાથી બેટદ્વારકા સુધી સમુદ્રનો માર્ગ રસ્તા માર્ગે જોડવાની જાહેરાત કરી હતી. આ અનુસંધાને નેશનલ હાઈવે ઓથોરિટીએ હરિયાણાની ખાનગી કંપનીને કન્સ્ટ્રક્શન કંપનીને બ્રિજ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.
સિગ્નેચર બ્રિજની જાણી-અજાણી વાતો...
આ સિગ્નેચર બ્રિજ બનાવવા પાછળ 300 એન્જિનિયર લાગ્યા છે. આ બ્રિજમાં 200 મીટર લંબાઈના બે સ્પાન પણ બનશે. જ્યારે ઓખા બાજુની લંબાઈ 1066 મીટર રહેશે. બેટદ્વારકા બાજુની લંબાઈ 1180 મીટરની રહેશે. સિગ્નેચર બ્રિજ 27 મીટર પહોળો બનશે. તેમ જ આ બ્રિજમાં 2.5 મીટર પહોળા ફૂટપાથ પણ બનાવવામાં આવશે.
30 મહિનામાં બ્રિજનું કાર્ય પૂર્ણ થશે
આ બ્રિજનું કામ 30 મહિનામાં પૂર્ણ થશે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે. મહત્ત્વનું છે કે, બ્રિજ બનતા યાત્રિકો દિવસ દરમિયાન રાત્રિના પણ બેટ દ્વારકાથી અવરજવર કરી શકશે. વીજળી પહોંચાડી શકાય તે માટે ઓખાથી બેટ દ્વારકા સુધી સમુદ્રમાં 15 કેબલ નાંખવામાં આવ્યા છે. બોટના કારણે અનેક વખત કેબલ તૂટી જતા વીજ પૂરવઠો ખોરવાય છે, પરંતુ બ્રિજ બનતા સંભવત્ તેના પરથી કેબલ પસાર કરીને વીજળી પહોંચાડાશે.
બ્રિજ બન્યા પછી યાત્રાળુઓ તરત દર્શન કરી પરત ફરી શકશે
યાત્રિકો ફેરી બોટ સિવાય વાહન માર્ગે પણ જઈ શકશે. હાલમાં ઓખાથી બેટ દ્વારકા જવા માટે ફરજિયાત યાત્રિકોએ ફેરી બોટનો સહારો લેવો પડતો હતો. સિગ્નેચર બ્રિજ બનતા યાત્રિકો બ્રિજ વાટે વાહનમાં કરી શકશે અને દર્શન કરી તરત પરત ફરી શકશે. તેમ જ આકસ્મિક સંજોગોમાં તાત્કાલિક વાહન દ્વારા પહોંચી શકાશે. બ્રિજમાં 2.5 મીટર પહોળા ફૂટપાથ બનાવવામાં આવશે અને તેના પર શ્લોક લખવામાં આવશે. આ સાથે જ ભગવાન શ્રીકૃષ્ણના ફોટો પણ મૂકવામાં આવશે.