- સ્થાનિકોને રોજગારી આપવામાં કંપની આનાકાની કરતી હોવાની રાવ
- આસપાસનાં લોકોને ૭૯ ટકા રોજગારી આપવાના મુદ્દે કંપની જોહુકમી કરી રહી હોવાનો દાવો
- કુરંગા તથા આસપાસના ગામોનાં યુવાનોએ દ્વારકા પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર
દ્વારકા: કુરંગા સ્થિત ઘડી ડિટરજન્ટ આર.એસ.પી.એલ. કંપની દ્વારા કુરંગા ગામ તથા આસપાસના ગામડાઓનાં બેરોજગાર યુવાનોને રોજગારી આપવામાં ઓરમાયું વર્તન કરાતું હોવાની ફરિયાદ સાથે આજરોજ દ્વારકા પ્રાંત અધિકારીને કુરંગા ગામ તથા આસપાસના યુવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
સ્થાનિક શિક્ષિત બેરોજગારો સાથે યેનકેન પ્રકારે થઈ રહેલો અન્યાય
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, સ્થાનિકોને ૭૯ ટકા રોજગારી આપવાના મુદ્દે કંપની જોહુકમી કરી રહી છે અને સ્થાનિકો તેમજ ગુજરાતીઓ પ્રત્યે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક મજૂરોથી લઇને સિકયુરીટી, ડ્રાઇવર તેમજ ટેક્નિકલ સહિતના સ્થાનિક ઉમેદવારોને રોજગારી આપવામાં કંપની રસ દાખવતી નથી. જેના કારણે સ્થાનિક શિક્ષિત બેરોજગારો સાથે અન્યાય થઇ રહ્યો છે. આ સાથે સ્થાનિક ઉમેદવારો સાથે ભેદાભાવ કરી યેનકેન પ્રકારે હેરાનગતિ કરીને ખોટા આરોપો સાથે બ્લેક લિસ્ટ કરવાનાં બનાવો સતત વધી રહ્યા હોવાની પણ ફરીયાદ કરાઇ છે. સ્થાનિક ગરીબ પરીવારોનાં બેરોજગાર યુવાનોને રોજગારીનો પ્રથમ હક્ક મળે તે હેતુ કંપનીના રોજગારી ડેટા ચેક કરવાની માંગ પણ અરજદાર યુવાનો દ્વારા કરવામાં આવી હતી. આ અંગે યોગ્ય પગલાં નહિં લેવાય તો બેરોજગારો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારાઇ છે.