દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે મુસ્લિમ જાકુપીર દાદાના ધાર્મિક સ્થળ ઉપર વર્ષો જુની એક પરંપરા જાળવી રાખવામાં આવી છે. દર વર્ષે ભાદરવી માસની પૂનમના દિવસે દ્વારકા તાલુકા તેમજ તાલુકા બહારના હિંદુ મુસ્લિમ યુવાનો એકતાના પ્રતીક રૂપી એક મલ કુસ્તીનું આયોજન કરે છે. હિંદુ તેમજ મુસ્લિમ યુવાનો અહીં પોતાના ગામના લોકો સાથે આવે છે અને દરેક ગામની અલગ ટીમ પ્રમાણે મલ કુસ્તીનું આયોજન કરવામાં આવે છે.
સામાન્ય નિયમોને અનુસરીને આ રમત રમવામાં આવે છે. આ રમત દરમિયાન જીતેલા ઉમેદવારને સ્થાનિક લોકો રોકડ પુરસ્કાર પણ આપે છે. શિવરાજપુરના જાકુપીર દાદા નામના મુસ્લિમ પીરના ધર્મસ્થાન ઉપર બે પથ્થરના ગોળાને માત્ર બે આંગળીથી ઉપાડીને લોકો આસ્થાના પ્રતીકને જીવંત રાખ્યો છે. દ્વારકા તાલુકાના હિન્દુ ક્ષત્રીય વાઘેરો તેમજ મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા એક સંપ કરી અને આ રમતનું આયોજન કરવામાં આવે છે.