દેવભૂમિ દ્વારકાઃ ખંભાળીયા ખાતે દેવભુમિ દ્વારકા જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ 2019-20નું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા અને સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવતા અલગ અલગ વય જૂથના કલા પ્રેમીઓ અને પસંદગી પામેલા કૃતિઓનું તાલુકા કક્ષાએથી શરૂ કરી તબક્કાવાર રાજ્યકક્ષા સુધી સ્પર્ધા યોજવામાં આવે તથા રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય, તેવા ઉમદા હેતુથી રાજ્ય કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ 2019-20 બુધવારે ખંભાળીયા ખાતે યોજવામાં આવ્યો હતો. જિલ્લાના ચારે તાલુકાઓ ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકાના આશરે 350થી પણ વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં તબલા, હાર્મોનિયમ, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકગીત, ભજન, વકૃત્વ સ્પર્ધા, નિબંધ, ચિત્રકલા, ગરબા, રાસ, નૃત્ય, સંગીત, લગ્ન ગીત, અને સુગમ સંગીત જેવા અલગ-અલગ વિષય ઉપર બાળકોએ પોતાની સુંદર કૃતિઓ રજૂ કરી હતી.