દેવભૂમિ દ્વારકા: ગુજરાતના પશ્ચિમ છેવાડે આવેલા ભગવાન દ્વારકાધીશની રાજધાની દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી અને ફૂલડોલ ઉત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. દર વર્ષે ગુજરાતભરના ગ્રામ્ય વિસ્તારમાંથી કૃષ્ણભકતો પગે ચાલીને દ્વારકાના દર્શન કરવા માટે આવે છે. આ વર્ષે પણ લાખોની સંખ્યામાં માનવ મહેરામણ દ્વારકા તરફ રહ્યો છે. જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ તરફથી આ માનવ મહેરામણનો ધોધ વહી રહ્યો છે, ત્યારે રસ્તામાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા આ ભક્તો માટે ચા-પાણી અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં પોતાનો આનંદ અનુભવી રહ્યાં છે.
ભગવાન દ્વારકાધીશ ઉપર શ્રદ્ધા રાખનાર આ યાત્રાળુઓને દ્વારકાવાસીઓ પણ આવકારી રહ્યાં છે. દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા અહીં આવતા યાત્રાળુઓને કોઈપણ જાતની તકલીફ ન પડે અને સુખાકારી રીતે દર્શન કરી અને જાય તેવા હેતુથી આ વિશેષ પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિકની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં DYSP, PSI તેમજ અન્ય 500 પોલીસ કર્મી, હોમગાર્ડ અને એસ.આર.પી.ની ટુકડી પણ ગોઠવવામાં આવી છે.
દ્વારકા પોલીસે કોરોના વાયરસના સાવચેતી રુપે માસ્ક ધારણ કર્યા છે. હોળીનાં બીજા દિવસે ભગવાન દ્વારકાધીશના નીજ મંદિરમાં બપોરે 2થી 4ના સમય વચ્ચે ભક્તો દ્વારા ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવશે. દ્વારકા આવતા ભક્તો અને દ્વારકા શહેરના લોકો દ્વારકાધીશ સાથે અબીલ ગુલાલ છાંટી અને ફૂલડોલ ઉત્સવ ઉજવશે.