આહવા : ડાંગ જિલ્લાનાં મોટાચર્યા ગામના 18 વર્ષિય યુવાનને તાવ અને ખાંસી હોવાથી આહવા સિવિલ હોસ્પિટલનાં કોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યો હતો. તેની સાથે ઘરનાં ચાર વ્યક્તિઓને પણ કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતાં. જોકે યુવકનો રિપોર્ટ નેગેટિવ આવતાં તેને સિવિલ હોસ્પિટલમાંથી આજે રજા આપી 14 દિવસ સુધી હોમકોરેન્ટાઇન કરવામાં આવશે.
પ્રાપ્ત વિગતો અનુસાર આહવા તાલુકામાં સમાવિષ્ટ મોટાચર્યા ગામનો 18 વર્ષિય યુવક જીગરભાઈ ગવળીને તાવ અને ખાંસી હોવાથી શામગહાન પી.એચ.સીમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમની તબિયતમાં ફરક ન પડતાં કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાય તે માટે યુવક સહિત ઘરનાં ચાર વ્યક્તિઓને આહવા સિવિલ હોસ્પિટલમાં કોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યા હતા. જે બાદ આ યુવક કોરોના શંકાસ્પદ જણાતાં યુવક સહિત પરિવારના સભ્યોનો રિપોર્ટ સુરત મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યો હતો.
યુવકનો રિપોર્ટ નેગેટિવ આવતાં આ યુવકને સિવિલમાં પ્રાથમિક સારવાર આપીને આજે રજા આપવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારી સંજય શાહે જણાવ્યું હતું કે આ યુવકને 14 દિવસ માટે હોમકોરેન્ટાઇન કરવામાં આવશે.
ડાંગ જિલ્લાના લોકો જે અન્ય જિલ્લાઓમાંથી આવે છે તે દરેક વ્યક્તિનું સ્ક્રીનિગ કરવામાં આવે છે. જિલ્લાના 7 એન્ટ્રી પોસ્ટ પર આરોગ્ય વિભાગ અને પોલિસ કર્મીઓ 24 કલાક તૈનાત રહે છે. ગત ત્રણ ચાર દિવસોથી અત્યાર સુધી લગભગ 6 હજાર જેટલા લોકો આવ્યાં છે. અત્યાર સુધી 28 લોકોને હોમકોરેન્ટાઇનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. જેના પર પોલીસ અને આરોગ્ય વિભાગ સતત દેખરેખ રાખી રહ્યું છે.
કોરોના વાઇરસ ન ફેલાય તે માટે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચુસ્તપપણે અમલ કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર ખડેપગે પોતાની કામગીરી કરી રહ્યા છે. ડાંગમાં એક વ્યક્તિ શંકાસ્પદ જણાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જ્યારે આ વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. જોકે ડાંગ કલેકટર એન.કે.ડામોરે જણાવ્યું હતું કે ડાંગમાં ડરવાની જરૂર નથી એક પણ શંકાસ્પદ કે પોઝિટિવ કેસ નથી.