ડાંગ: મળતી વિગતો અનુસાર આજના આધુનિક ટેકનોલોજી સભર યુગમાં ઈન્ટરનેટની પ્રવૃતિઓ સમાજને ખોટી ખોટી અફવા દોરવામાં કારણભૂત નીવડી છે. તેમાં સોશિયલ મીડિયાનાં અમુક વોટ્સએપ ગ્રુપ ધાર્મિકતાને હાથો બનાવી અશોભનીય ટીખળ કે, ટિપ્પણીઓ કરી સમાજમાં ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ કરી રહ્યાનાં ઘણા કિસ્સાઓ બહાર આવી રહ્યાં છે. જેમાં ધાર્મિકતા દુભાવતો એક કિસ્સો ડાંગ જિલ્લામાં પણ બન્યો છે.
ડાંગ જિલ્લાનાં આહવા ખાતે રહેતા યુવાનોમાં કમલેશભાઈ ગાવિત-હિંદુ ધર્મબંધુ તેમજ વિનોદભાઈ ચંદ્રકાન્ત ખ્રિસ્તી-ખ્રિસ્તી ધર્મબંધુ આ બન્ને યુવાનોએ થોડા દિવસ પૂર્વે ડાંગ જિલ્લાનાં "ડાંગ વિચાર મંચ" સોશિયલ મીડિયા ગ્રુપમાં હિંદુ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ આમ બન્ને ધર્મો વિરુદ્ધ ધાર્મિકતા બાબતે આશોભનીય ટિપ્પણીઓ અને કોમેન્ટો મૂકી મેસેજ વાયરલ કર્યો હતો. ત્યારે ડાંગ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ "ડાંગ વિચાર મંચ" સોશિયલ મીડિયા ગ્રુપમાં ધાર્મિકતા બાબતે વહાલાઓને બચાવવા ઈસુ આવ્યા, જય જોહર, જય ખ્રિસ્તી, શેતાની બીમારી કોરોના વાઈરસનો નિદાન કેમ્પ, ઈશ્વરીય દાન માટે 500 રૂપિયા જરૂર લાવો. અને ઇશ્વરીય આશિષ પામો, આપણો જ આદિવાસી દૂત સેમ્યુઅલ કુકરપાલી આપની સેવામાં, સ્થળ ચર્ચ ઓફ ધી બ્રધરન આહવા, સમય 28 ફેબ્રુઆરી 2020, અમારા ડાંગમાં કોરોના વાઈરસના નિદાન કેમ્પમાં ચીનાઓએ ખાસ હાજર રહેવું. જેવી વાંધાજનક પોસ્ટ કોમેન્ટ કરીને મુકી હતી. આ ડાંગ વિચાર મંચ ગ્રુપમાં બન્ને યુવાનોની એકબીજા ઉપર આરોપ મૂકતી કોમેન્ટ અને ટિપ્પણીઓ ગ્રુપના 228 જેટલા સભ્યોએ વાંચતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમજ આ કોમેન્ટ વાંચી ધાર્મિકતા બાબતે લાગણી દુભાઇ હતી.
આખરે ડાંગ જિલ્લાનાં સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ થયેલ ધાર્મિકતાની કોમેન્ટ અને ટિપ્પણીઓ બાબતે આ બન્ને યુવાનોએ આહવા પોલીસ મથકમાં સામસામે અરજીઓ રજૂ કરી હતી. તેમજ આહવા પોલીસે સોશિયલ મીડિયા ગ્રુપની કોમેન્ટને ધ્યાનમાં રાખી સાઇબર ક્રાઇમ હેઠળ બન્ને યુવાનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અસામાજિક તત્વોમાં ખળભળાટ મચી ગયો હતો.