ગાઢ જંગલો અને રમણીય ડુંગરો ધરાવતો જીલ્લો ડાંગ આમ તો આધુનીકરણ તરફ આગળ વધી રહ્યો છે, પરંતુ ડાંગ જિલ્લાનું જૂનું દાવદહાડ ગામ આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. જિલ્લાના મુખ્ય મથક આહવાથી 20 કિમીના અંતરે આવેલા જુના દાવદહાડ ગામમાં અવરજવર માટે નદી ઓળંગીને જવા સિવાયનો બીજો કોઈ જ રસ્તો નથી. આ ગામમાંથી પસાર થતી ખાપરી નદી પર પુલ બનાવવાની તસ્દી હજી તંત્રએ લીધી નથી. ભારે વરસાદમાં નદી ઓળંગવા માટે લોકો ટ્યુબનો ઉપયોગ કરે છે અથવા તરીને સામેના પટ પર જાય છે.
જુના દાવદહાડ ગામમાં આશરે 45 જેટલા ઘરો અને 300 થી પણ વધારે લોકોની વસ્તી છે. ગામમાં વિકાસ તો દૂરની વાત પણ અહીં પાયાની સુવિધાઓનો પણ અભાવ છે. ગામમાં રસ્તા, પાણી, આરોગ્ય અને વીજળીની સમસ્યા હોવાના કારણે ચોમાસામાં અહીં બિલકુલ અંધારાપટ છવાઈ જાય છે. આરોગ્યલક્ષી સેવા 108 પહોંચી શકતી નથી. પ્રાથમિક શિક્ષણ માટે નદી પાર કરી બીજા ગામ જવું પડે છે. અનેક વખત ગ્રામપંચાયતમાં પ્રશ્નોની રજૂઆત કરવા છતાંય આ પ્રશ્નોનો કોઈ ઉકેલ આવતો નથી. જો કે સરપંચનું માન્યે તો દીવાળી બાદ પુલની કામગીરી શરૂ થાય તેવું જણાઇ રહ્યું છે.
નદીના ધસમસતા પ્રવાહ અને વન્ય પ્રાણીઓના ભય વચ્ચે જિંદગી જીવી રહેલા જુના દાવદહાડના ગ્રામજનોના પ્રશ્નો જાણવા માટે ETV ભારતની ટીમે ગામ લોકોની રૂબરૂ મુલાકાત લીધી.