ડાંગઃ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ બોરખલથી પાંડવા ગામને જોડતો માર્ગ ચોમાસાની ઋતુમાં ખખડધજ હાલતમાં બની જતા વાહન ચાલકો તોબા તોબા પોકારી ઊઠ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ બોરખલ ગામથી પાંડવા ગામને જોડતા માર્ગમાં પાંડવા,ચોક્યા, ઇસદર, રાવચોંડ સહિત પાયરઘોડી જેવા ગામોનો સમાવેશ થાય છે. પ્રાચીન સમયમાં પાંડવા ગામે લોકવાયકા મુજબ 5 પાંડવો વનવાસ દરમિયાન પાંડવગુફામાં રોકાયા હતા.
જે પાંડવગુફા હયાત હોવાથી આજે પણ પ્રવાસીઓ આ ગુફાની મુલાકાત લેઇ રહ્યા છે. આ માર્ગ પર ટ્રાફિક જોવા મળે છે. તેવામાં હાલમાં ચોમાસાની ઋતુ દરમિયાન આ પાંડવાથી બોરખલને જોડતો માર્ગ ખખડધજ હાલતમાં બની જતા વાહન ચાલકો તોબા તોબા પોકારી ઉઠ્યા છે.
આ માર્ગમાં ઠેરઠેર મોટા ખાડાઓ અને નાળાઓનું પણ ધોવાણ થઈ જતા વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. હાલમાં આ ખખડધજ માર્ગ ઉપરથી વહીવટી મથક આહવા સુધી પહોચવા માટે સમયનો પણ દુર્વ્યય થઈ રહ્યો છે. પાંડવા વિસ્તારનાં આગેવાન રાજેશભાઈ ગાવીતનાં જણાવ્યા અનુસાર પાંડવા ગામથી બોરખલ સુધી સાંકળતો અંદાજીત 9 કીમીનો માર્ગ ખખડધજ હાલતમાં બની ગયો છે, તેમજ ઠેરઠેર આ માર્ગનાં તૂટી ગયો છે.
જે મરામત અંગેની રજુઆત અમોએ ડાંગ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગમાં ઘણી વખત કરી છે. પરંતુ માર્ગ મકાન વિભાગનાં અધિકારીઓ આ માર્ગ દક્ષિણ વન વિભાગમાં લાગતો હોવાનું જણાવી હાથ ખંખેરી રહ્યુ છે. જ્યારે વન વિભાગ પાસે જઈએ તો વનવિભાગ આ માર્ગ જિલ્લા પંચાયતમાં લાગુ પડતો હોવાનું જણાવી એક બીજા પર ખો આપી રહ્યા છે. જેથી બન્ને વિભાગ પરામર્શ કરી સત્વરે આ માર્ગની મરામત કરે તે જરૂરી બની ગયુ છે.