જુનાગઢ: આગામી દિવસોમાં ગીર વિસ્તારના 196 કરતાં વધુ ગામોમાં ઈકોઝોન નો કાયદો અમલી બનવા જઈ રહ્યો છે, ત્યારે મેંદરડા તાલુકાના હરીપુર ગીર ગામમાં દિવાળીએ દશેરા જેવા દ્રશ્યો સામે આવ્યા હતા.હરીપુર ગામના લોકોએ ઈકોઝોનના પૂતળાનું દહન કરીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે
ઇકોઝોનનો વિરોધ: આગામી દિવસોમાં ગીર વિસ્તારના 196 જેટલા ગામોમાં ઈકો સેન્સેટિવ ઝોનનો કાયદો અમલી બનવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા કાયદાનું નોટિફિકેશન બહાર પાડતા જ મોટાભાગના ગામોમાં કાયદાનો વિરોધ શરૂ થયો છે.
ત્યારે જુનાગઢના ગીર વિસ્તારના ગામો ખાસ કરીને મેંદરડા અને વિસાવદર તાલુકાના ગામોમાં કાયદાની અમલવારીને લઈને ખૂબ વિરોધ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત આજે મેંદરડા તાલુકાના હરીપુર ગીર ગામમાં ખેડૂતો અને ગામ લોકોએ ઈકોઝોનના પૂતળાનું દહન કરીને આ કાયદાનો અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.
ઇકોઝોનને ખેડૂતો માને છે કાળો કાયદો: ગીર વિસ્તારના ગામોમાં જંગલની સાથે વન્યજીવ સૃષ્ટિ અને એશિયામાં એકમાત્ર જોવા મળતા સિંહોને રક્ષણ મળે તેવા તર્ક સાથે કેન્દ્ર સરકારે કાયદો અમલી બનાવ્યો છે. તો સમગ્ર કાયદાની અમલવારી શરૂ થતા જ ખેડૂતો ખેતીથી લઇ અને તમામ નાના-મોટા કામો માટે ગુલામ બની જશે તે પ્રકારે આ કાયદાની જોગવાઈઓ છે. જેને કારણે ખેડૂતો સમગ્ર કાયદાને કાળો કાયદો ગણાવીને તેનો વિરોધ કરી રહ્યા છે. દિવાળીના દિવસોમાં હરિપુર ગીર ગામમાં દશેરા જેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ઈકોઝોનના પૂતળાનું દહન કરીને આગવી રીતે આ કાયદાનો વિરોધ કર્યો હતો.