ડાંગ: જિલ્લાના નવનિયુક્ત પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાએ વઘઇ તાલુકાના નાનાપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના આંબાપાડા, આહેરડી, કુમારબંધ, શિવારીમાળ વગેરે ગામોના સરપંચ, આગેવાનો તથા ગામના લોકો સાથે મુલાકાત કરી હતી. ડાંગ જિલ્લાના આદિવાસી લોકોને પડતી મુશ્કેલીઓ, અન્ય લોકો દ્વારા આપવામાં આવતી લોભામણી લાલચો, બાળલગ્નો, તેમજ કુરિવાજોનું ત્યાગ કરવું વગેરે સામાજિક મુદ્દાઓ પર લોકો સાથે ચર્ચા કરી હતી.
ડાંગના પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાએ ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ, ગામમાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ, કાયદો વ્યવસ્થાને લગતી કોઈ પણ મુશ્કેલી હોય તો તે, વિશે ચર્ચા કરવા જણાવ્યું હતું. લોકોને નિર્ભય બની પોલીસ સાથે સંકલન રાખવા સૂચનો પણ કર્યા હતા.
નાનાપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના કુમારબંધ ગામના વતની અને આંતરરાષ્ટ્રીય દોડવીર મુરલી ગાવિતનું પણ પોલીસ વડાએ સન્માન કર્યું હતું. ડાંગના પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ડાંગના યુવાનોમાં કુદરતી રીતે ફિટનેસ સારી જ હોય છે. જેથી ડાંગના યુવાનોએ પોલીસ, પેરામિલેટરી ફોર્સ તથા રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે આહવાન કર્યું હતું. આ તકે ડાંગ જિલ્લા D.Y.S.P જે. આઈ. વસાવા, એલ.સી.બી, પી.એસ.આઈ. પી. એચ. મકવાણા, સાપુતારા પી.એસ.આઈ એમ. એલ. ડામોર, વઘઇના પી. એસ. આઈ, ડી. ડી. વસાવા હાજર રહ્યા હતા.